મુંબઈ, તા. 29 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ બનેલા ઉદયનરાજે ભોંસલેએ રવિવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતના મુદ્દાને ઈરાદાપૂર્વક લંબાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું એ માટે જે જવાબદાર છે એની પાસેથી લોકોએ જવાબ માગવો જોઈએ. 1980માં મંડલ પંચના અહેવાલના અમલ વખતે પણ એ સમયે રાજ્યમાં જે પક્ષ સત્તા પર હતો એણે પણ મરાઠા ક્વૉટાની ઉપેક્ષા કરેલી.
એ વખતે શરદ પવારના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસની સરકાર સત્તા પર હતી.
ઉદયનરાજે ભોંસલેએ કહ્યું હતું કે મરાઠા સિવાય તમામ કોમને અનામત મળ્યું હતું. જે લોકોએ તમારા પર ભરોસો મુકી તમને વોટ આપ્યા છે એ તમારી સરકારને પાડી પણ દેશે.
મરાઠા આરક્ષણના મુદ્દાને આગળ ન વધારવા માટે તેમણે ઠાકરે સરકાર પર પ્રહારર કર્યા હતા અને એવો દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં ક્વૉટાને મુદ્દે જે સુનાવણી થઈ હતી વિશે રાજ્ય સરકારના વકિલોએ સરકારને ગેરમાર્ગે દોરી હતી. આ બધી યુક્તિ-પ્રયુક્તિનો મરાઠા કોમ જવાબ આપશે.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે મરાઠા અનામતના મુદ્દે તેમણે પહેલ કરી અનામતનો કાયદો બનાવ્યો હતો. અત્યારે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં હોવાથી મરાઠા ક્વૉટાની સીટો સિવાયની પરીક્ષા મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશને યોજવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં મરાઠાઓને શિક્ષણ અને નોકરીમાં અનામતનો લાભ આપતા 2018ના કાયદા સામે સ્ટે આપ્યો હતો અને આ મુદ્દાની સુનાવણી હવે સિપ્રીમ કોર્ટની મોટી બૅન્ચ કરશે.
Published on: Mon, 30 Nov 2020
મરાઠા આરક્ષણનો મુદ્દો ઈરાદાપૂર્વક લંબાવાઈ રહ્યો છે : ઉદયનરાજે
