મહા વિકાસ આઘાડી સરકાર વિદર્ભ વિરોધી : દેવેન્દ્ર ફડણવીસ

મહા વિકાસ આઘાડી સરકાર વિદર્ભ વિરોધી : દેવેન્દ્ર ફડણવીસ
નાગપુર, તા 29 :ભારતીય જનતા પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે રવિવારે મહાવિકાસ આઘાડી સરકાર વિદર્ભ વિરોધી હોવાનો આક્ષેપ કરવાની સાથે જણાવ્યું હતું કે સરકાર એના વિકાસ માટે પૂરતું ફંડ ન ફાળવી વિદર્ભની ઉપેક્ષા કરી રહી છે.
વિદર્ભમાં જે વિકાસ કાર્ય થઈ રહ્યું છે એ કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરીની મંજૂરીથી થઈ રહ્યું હોવાનો દાવો કર્યો હતો. તેઓ 1 ડિસેમ્બરે યોજાનાર ઇસ્ટ વિદર્ભ ગ્રેજ્યુએટની વિધાન પરિષદની ચૂંટણી સભામાં ભાજપના કાર્યકરોને સંબોધી રહ્યા હતા. 
સરકાર પૂર્ણપણે વિદર્ભ વિરોધી છે અને મરાઠવાડા સહિતના પછાત વિસ્તારો માટે પણ એનું વલણ એવું જ રહ્યું હોવાનો આક્ષેપ ફડણવીસે કર્યો હતો. 
મહાવિકાસ આઘાડી સરકારને એક વરસ પૂરૂં થયું એના સંદર્ભમાં બોલતા ફડણવીસે કહ્યું કે હાલની સરકાર વિદર્ભ પ્રત્યે સાવકા જેવો વ્યવહારકરી રહી છે. એટલા માટે જ વિદર્ભ સ્ટેચ્યુટરી ડેવલપમેન્ટ બોર્ડની એપ્રિલ મહિનામાં પૂરી થયેલી મુદત વધારી નહીં. તો વિદર્ભના અન્ય પ્રોજેક્ટને ફંડ ફાળવવામાં આવતું નથી.
વિદર્ભમાં થઈ રહેલા રોડ, ફ્લાયઓવર, રેલવે ઓવર બ્રિજ અને અન્ય પ્રોજેક્ટ કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરીને કારણે થઈ રહ્યા હોવાનો દાવો તેમણે કર્યો હતો. એ સાથે તેમણે ઉમેર્યું હતું કે અહીં એવા કોઈ કામો થઈ નથી રહ્યા જે આઘાડી સરકાર દ્વારા થતા હોય.
ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હાલ વિરોધ પક્ષના નેતા દ્વારા કરાયેલા આક્ષેપોનો જવાબ આપતા રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને લઘુમતિ બાબતોના પ્રધાન નવાબ મલિકે જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકારને ચુકવવાના 33 હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપી રહી નથી.
ભાજપને રાજ્ય સરકારની ટીકા કરવાનો કોઈ અધિકાર નથી. ભાજપ મહારાષ્ટ્ર વિરોધી છે. કોવિડ-19 મહામારીને કારણે માત્ર વિદર્ભના જ નહીં સમગ્ર રાજ્યમાં વિકાસ કાર્યો અટકી પડયા છે.

Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer