ઈડીની તપાસ પણ મહારાષ્ટ્ર સરકારને તોડી નહીં શકે : રાઉત

ઈડીની તપાસ પણ મહારાષ્ટ્ર સરકારને તોડી નહીં શકે : રાઉત
મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીની સરકારને વિચિત્ર સરકાર ગણાવવા બદલ શિવસેનાના નેતા-સાંસદ સંજય રાઉતે ભાજપની આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે કોઈ પણ સરકાર અસ્તિત્વમાં હોય ત્યાં સુધી એ કુદરતી સરકાર જ હોય છે. 
શિવસેનાના મુખપત્ર સામનામાં પોતાની સાપ્તાહિક કૉલમ રોખઠોકમાં રાઉતે યાદ અપાવતા લખ્યું હતું કે ગયા વર્ષે એનસીપીના વડા શરદ પવાર અને કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે નહેરુ સેન્ટરમાં સ્પીકરના હોદ્દાને લઈ ખાસ્સી ગરમાગરમી થઈ હતી. પવારે તેમના તમામ કાગળિયા ભેગા કરી રૂમમાંથી ચાલતી પકડી હતી. પવારને મેં આટલા ગુસ્સામાં ક્યારેય જોયા નહોતા. 
ખડગેને સ્પીકરનો હોદ્દો જોઈતો હતો અને એ હોદ્દો એનસીપીને ન મળે એવું ખડગે ઈચ્છતા હતા. પવાર રૂમમાંથી નીકળ્યા કે હું અને પ્રફુલ પટેલ પણ તેમની પાછળ પાછળ બહાર નીકળ્યા.પવારે આઘાડી સરકારના મુખ્ય પ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેના નામની ઘોષણા કરી નાખેલી. પણ ખડગે સાથેની ગરમાગરમી બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. ત્યારે અજીત પવાર કોઈ સાથે ફોન પર સતત વાત કરતા હતા. અમે નીકળ્યા એ બાદ એમનો ફોન બંધ થઈ ગયો હતો અને એ બીજા દિવસે ચાલુ થયો અને તેઓ સવારના રાજભવનમાં શપથ લેતા દેખાયા. 
તેઓ લખે છે કે શરદ પવારે મને એમ પણ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસની સરકારને ટેકો આપવા મારા પર દબાણ થઈ રહ્યું છે. પણ તેઓ કોઈ પણ ભોગે ટેકો આપવાના મૂડમાં નહોતા. આ રાજકીય નાટકની પટકથા હજી અકબંધ છે અને એ ક્યારેય જાહર થવાની નથી. 
તેઓ લખે છે કે બીજા દિવસે એટલે કે 23 નવેમ્બરના વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા કે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. દેવેન્દ્ર ફડણવીસની આ સરકાર 80 કલાકમાં તૂટી પડી હતી. 
તેમણે પોતાની કોલમમાં કહ્યું હતું કે ભાજપ સતત મહાવિકાસ આઘાડીની સરકાર તૂટી પડવાની આગાહી કરે છે. આ સરકાર કેમ તૂટે છે એ ગુપ્ત કાવાદાવા, કેન્દ્રીય તપાસ સંસ્થા પર આધરિત છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જે કંઈ તપાસ કરે, પણ મહારાષ્ટ્ર સરકારને કોઈ આંચ આવવાની નથી એવું હું જવાબદારી સાથે કહું છું. 
તેમણે કહ્યું હતું કે રાજ્યમા કોરોનાનો પ્રકોપ ન ફેલાયો હોત, પુર ન આવ્યા હોત અને વાવાઝોડુ ફુંકાયું ન હોત તો રાજ્યની પરિસ્થિતિ એક વર્ષમા કંઈ વેગળી હોત. 

Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer