મુંબઈ, તા. 29 : હિમાલય પુલની દુર્ઘટના બાદ મુંબઈના તમામ પુલોનું નવેસરથી સ્ટ્રક્ચરલ અૉડિટ કરવામાં આવ્યું છે. આ અૉડિટ મુજબ મહાપાલિકાએ પુલોનું સમારકામ અને નવા પુલોનું બાંધકામ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં 184 પુલોના નાના-મોટા સમારકામમાંથી 70 કામ પૂરાં થયાં છે અને 48 પુલોના મોટા સમારકામનું કામ પણ ઝડપભેર થઈ રહ્યું છે. અૉડિટમાં અતિ જોખમી જાહેર કરાયેલા 29 પુલ જમીનદોસ્ત કરીને નવેસરથી બાંધવાના છે. એમાંથી 15થી વધુ પુલ તોડી પાડીને કામ શરૂ કરવામાં આવ્યું છે.
મુંબઈ પાલિકાની હદમાં કુલ 314 પુલ છે. આમાં મુંબઈ શહેરમાં 81, પૂર્વ ઉપનગરમાં 90 અને પશ્ચિમ ઉપનગરમાં 143 પુલ છે. એમાંના 23 સ્કાયવૉક એમએમઆરડીએએ પાલિકાને હસ્તાંતરિત કર્યા છે. 314 પુલમાંથી 29 પુલ અતિજોખમી છે. 106 પુલમાં નાના સમારકામ અને 87 પુલમાં મોટા સમારકામ સૂચવવામાં આવ્યાં છે. 77 પુલ સારી સ્થિતિમાં હોવાનું ઓડિટમાં જણાવવામાં આવ્યું છે.
ઓડિટ રિપોર્ટ મુજબ પાલિકાએ પુલોનું સમારકામ અને નિર્માણ શરૂ કર્યું છે. મોટા 87 સમારકામમાંથી 48 કામ હાથ ધરવામાં આવ્યાં છે જેમાંથી 14 અત્યાર સુધીમાં પૂર્ણ થયાં છે.બાકીના કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યાં છે અને આવતા વર્ષે ચોમાસુ બેસે એ પહેલાં પૂરાં થશે એવું પાલિકાના મુખ્ય એન્જાનિયર (પુલ) રાજેન્દ્રકુમાર તળકરે જણાવ્યું હતું.
અંધેરી સાકીનાકાના ખૈરાની રોડ પુલનું લગભગ દોઢ વર્ષથી રખડેલું કામ છેવટે પૂરું થયું છે અને પુલનો એક તરફનો માર્ગ 29મી નવેમ્બરથી શરૂ થયો છે. વિક્રોલી પૂર્વ અને પશ્ચિમને જોડનારા રેલવે પુલના કામમાં ગોદરેજ અને ગામડિયા ટ્રસ્ટની જગ્યાનો પ્રશ્ન નિર્માણ થયો છે. તેમજ ભાંડુપ અને ઘાટકોપર વિસ્તારમાં કેટલાક બાંધકામ હટાવ્યા બાદ પુલના કામમાં ગતિ આવશે. મુલુંડ-નાહૂર રોડ પુલનું પાલિકાની હદનું 30 ટકા કામ પૂરું થયું છે અને રેલવેના ભાગનું 70 ટકા કામ બાકી છે.
Published on: Mon, 30 Nov 2020
પુલોનું સમારકામ વેગ પકડી રહ્યું છે
