મુંબઈમાં રિડેવલપમેન્ટ માટે ચાર વર્ષની શરતનો પ્રસ્તાવ

મુંબઈમાં રિડેવલપમેન્ટ માટે ચાર વર્ષની શરતનો પ્રસ્તાવ
મુંબઈ, તા. 29 : મુંબઈની જોખમી ઈમારતો અને ચાલીઓનું રિડેવલપમેન્ટ અનેક વર્ષોથી રખડી પડયું છે. તેથી વધારાની એફએસઆઈનો લાભ લેનારા બિલ્ડરો માટે ઈમારતનો પુનર્વિકાસ ચાર વર્ષમાં કરવાનું ફરજીયાત કરવા માટેનો ઠરાવ મુંબઈ મહાનગરપાલિકાના સભાગૃહમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો છે. ઠરાવ મંજૂર થયા બાદ રાજ્ય સરકાર પાસે અમલબજાવણી માટે મોકલવામાં આવશે. 
મુંબઈ શહેર અને ઉપનગરમાં અનેક જૂની ચાલીઓ અને મકાનો છે. એમાંથી કેટલાક તો 80 કે 100 વર્ષથી વધુ જૂનાં છે. આ ઇમારતોના પુનર્વિકાસ માટે રાજ્ય સરકારે વધારાની એફએસઆઈ આપવાનો નિર્ણય લીધો છે. એ માટે મકાનમાલિકે મકાનનું સ્ટ્રક્ચરલ ઓડિટ કર્યાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે. મકાનમાલિક અને રહેવાસીઓ વચ્ચે વિવાદ હોય તો રહેવાસીઓ સ્ટ્રક્ચરલ અૉડિટ પ્રમાણપત્ર રજૂ કરી શકે છે. બંનેના પ્રમાણપત્રમાં વિસંગતિ હોય તો પાલિકાની ટેક્નિકલ એડવાઈઝરી કમિટી ઈમારતનું સમારકામ અથવા રિડેવલપમેન્ટ વિશેનો પોતાનો નિર્ણય લે છે. 
ઉપનગરોમાં પુનર્વિકાસના નામે 100થી વધુ અતિ જોખમી ઇમારતો તોડી પડાયાને દસ-બાર વર્ષ વીતી જવા છતાં ઇમારતના પુનર્વિકાસની ફાઈલ જેમની તેમ છે. રહેવાસીઓને ભાડાની રકમ પણ આપવામાં આવતી નહીં હોવાનું જાણવા મળે છે. રહેવાસીઓનું નુકસાન ટાળવા માટે વિકાસ નિયંત્રણ નિયમાવલી 2034માં ચાર વર્ષમાં પુનર્વિકાસ કરવાની જોગવાઈ કરવાની માગણી કરવામાં આવી છે. સરકાર ઠરાવને મંજૂર કરશે તો બિલ્ડરો માટે ચાર વર્ષમાં ઈમારતનો પુનવિકાસ કરવાનું બંધનકારક થશે એવું વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું.

Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer