કોરોના પ્રતિબંધિત ઈમારતોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે

કોરોના  પ્રતિબંધિત ઈમારતોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે
મુંબઈ, તા. 29 : દિવાળી પછી છેલ્લા દસ દિવસમાં મુંબઈમાં કોવિડ પ્રતિબંધિત ઈમારતો અને ઝૂંપડપટ્ટીની સંખ્યામાં ઘટાડો થયો છે. હાલમાં મુંબઈમાં 407 ઝૂંપડપટ્ટી અને ચાલીઓ તથા 4790 ઈમારતો પ્રતિબંધિત છે. ખાસ તો વરલી અને પ્રભાદેવીમાં એક પણ પ્રતિબંધિત વિસ્તાર નથી. 

દિવાળી પછી કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થશે એવી શક્યતા વર્તાવવામાં આવી હતી. તે મુજબ દર્દીઓની સંખ્યામાં રોજ વધારો થઇ રહ્યો છે. જો કે બીજી તરફ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈને ઘરે જઈ રહ્યા છે. તેથી ઉપચાર હેઠળના દર્દીઓની સંખ્યા મોટાભાગે સ્થિર છે. બીજી તરફ પ્રતિબંધિત વિસ્તારો અને ઇમારતોની સંખ્યા છેલ્લા દસ દિવસમાં નોંધપાત્ર રીતે ઓછી થઇ છે. 

દિવાળી પછી 17મી નવેમ્બરે 8,946 દર્દી ઉપચાર હેઠળ હતા. તો 27મી નવેમ્બરે આ સંખ્યા 12,588 હતી. છેલ્લા દસ દિવસમાં મુંબઈમાં દર્દીઓ બમણા થવાનો સમયગાળો 297 દિવસ પરથી 195 દિવસ સુધી નીચે આવી ગયો છે. દર્દીઓ વધવાનો દર 0.23 ટકા પરથી 0.36 ટકા સુધી વધી ગયો છે. 

દર્દીઓની સંખ્યા વધી હોવા છતાં મુંબઈમાં પ્રતિબંધિત ઈમારતો અને વિસ્તારની સંખ્યા ઘટી છે. વર્તમાનમાં 407 પ્રતિબંધિત વિસ્તારોમાં પચીસ લાખ લોકો રહે છે. તો 4,790 પ્રતિબંધિત ઇમારતોમાં 10 લાખ લોકો રહે છે.Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer