મહિલાઓ પરના અત્યાચારમાં વધારો

મહિલાઓ પરના અત્યાચારમાં વધારો
પ્રજા ફાઉન્ડેશનો 2019-20નો અહેવાલ
મુંબઈ, તા. 29 :  મુંબઈમાં 2019-20માં મહિલાઓ પર અત્યાચારનું પ્રમાણ વધ્યું હોવાનું જોવા મળ્યું છે, ખાસ કરીને બળાત્કાર અને વિનયભંગના ગુનાઓમાં વધારો થયો છે. 2018-19ની સરખામણીમાં બળાત્કારના ગુનામાં 24 ટકા અને વિનયભંગના ગુનામાં પચીસ ટકા વધારો થયો છે. બીજી તરફ, મુંબઈ પોલીસ દળમાં મંજૂર સંખ્યા કરતાં લગભગ 9,280 જેટલા પોલીસ કર્મચારીઓ ઓછા છે જેના પરિણામે ગુનાઓની તપાસ પર અસર પડે છે. 
પ્રજા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા મુંબઈમાં કાયદો, વ્યવસ્થા અને ગુનાખોરી વિશેનો 2019-20ના સમયગાળાનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં મુંબઈમાં પોલીસોની સંખ્યા, ગુનાઓના આંકડા, તપાસ્યા વિનાના ગુના વગેરેની માહિતી આપવામાં આવી છે. તે મુજબ અન્ય ગુનાઓમાં ઘટાડો થયો હોવા છતાં બળાત્કાર અને વિનયભંગ જેવા ગુનામાં વધારો થયો છે. 2018-19માં બળાત્કારના 784 ગુના અને વિનયભંગના 2533 ગુના નોંધાયા હતા. 2019-20માં બળાત્કારના 904 અને વિનયભંગના 2677 ગુના નોંધાયા છે. હત્યાના કેસમાં એકનો ઘટાડો થયો છે અને 2019-20માં 164 હત્યા નોંધાઈ છે. રમખાણ, ચેન સ્નાચિંગ, ઘરફોડી, ચોરી, વાહનચોરીના ગુનાઓમાં ઘટાડો થયો હોવાનું આંકડાઓમાં સ્પષ્ટ થાય છે. 
મુંબઈ પોલીસ દળમાં 51,068 જેટલા પદ મંજૂર થયાં છે પરંતુ 41,788 પોલીસ પ્રત્યક્ષમાં કાર્યરત છે. ફૉરેન્સિક લૅબમાં પણ મંજૂર પદ કરતાં 177 કર્મચારીઓ ઓછા છે. પરિણામે તપાસ પર પરિણામ થતી હોવાથી 2019-20ના અંત સુધીમાં 64 ટકા ગુના તપાસ વગરના પડી રહ્યા છે. એનું પરિણામ ગુનાની સાબિતી પર પણ પડતું હોવાથી એ પ્રમાણ પણ ઘટ્યું છે. 
ગુનો દાખલ થવાથી માંડીને એનો ચુકાદો આવવાનો સમયગાળો 2008થી 2012ના સમયમાં લગભગ 25.8 મહિના હતો. પરંતુ 2013થી 2017ના વર્ષમાં આ સમયગાળો લગભગ બમણો એટલે કે 40.4 મહિના જેટલો થયો છે.

Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer