વડા પ્રધાનની મન કી બાત
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 29 : આજે સંસદે તાજેતરમાં જ વિશદ ચર્ચાને અંતે નવા કૃષિ કાયદાને મંજૂરી આપી છે અને આ સુધારાને કારણે માત્ર ખેડૂતોની મુશ્કેલી જ ઓછી નથી થઈ પણ આ કાયદાને કારણે તેમને નવા અધિકારો અને અવસર પણ આપે છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે `મન કી બાત'માં જણાવ્યું હતું.
વડા પ્રધાન મોદીએ રેડિયો સંબોધનમાં જણાવ્યું હતું કે, નવા કૃષિ સુધારા ખેડૂતોને નવા અધિકારો આપે છે. એને કારણે ખેડૂતોની મુસીબતોમાં ઘટાડો થશે. દરમ્યાન, વડાપ્રધાને અનેક મહત્ત્વના મુદ્દાઓ અંગે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.
વડાપ્રધાને કહ્યું કે તાજેતરમાં થયેલા કૃષિ સુધારાને કારણે ખેડૂતોને અનેક નવી દિશાઓના દ્વાર ખોલ્યા છે. વરસોથી ખેડૂતોની જે માંગણીઓ હતી, અને એ પૂરી કરવા રાજકીય પક્ષો માત્ર વાયદા જ કરતા હતા, એ માંગણીઓ અમે પૂરી કરી છે. તેમણે કહ્યું કે આ સુધારાને કારણે ખેડૂતો બંધન મુક્ત થવાની સાથે તેમને નવા અધિકારો પણ મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતની 71મી કડી થકી દેશને સંબોધતા કોરોનાથી લઈ કૃષિ કાયદા સુધીના મુદ્દાઓ અંગે તેમના વિચારો રજૂ કર્યા હતા.
મન કી બાત કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાને કહ્યું કે દરેક ભારતીયોને ગર્વ થશે કે અન્નપૂર્ણા માતાની પ્રાચીન મૂર્તિ કેનેડાથી ભારત પાછી લાવવામાં આવી છે. લગભગ સો વરસ પહેલાં આ મૂર્તિ વારાણસીના એક મંદિરમાંથી ચોરવામાં આવી હતી.
શ્રી અરબિંદોની પાંચમી ડિસેમ્બરે આવતી પુણ્યતિથિ નિમિત્તે તેમને યાદ કરી દેશના યુવાનોને અપીલ કરી હતી કે અરબિંદોને જેટલા જાણીશું, એટલું જ તમે તમારી જાતને જાણી શકશો.
Published on: Mon, 30 Nov 2020
કૃષિ સુધારાથી ખેડૂતોને નવા અધિકાર અને અવસર : મોદી
