ખેડૂતો સંવાદ માટે તૈયાર નથી

ખેડૂતો સંવાદ માટે તૈયાર નથી
દિલ્હી સીમા પર તણાવ; ટ્રાફિક જૅમથી હાલાકી
બુરાડી મેદાન ખુલ્લી જેલ; કેન્દ્રની શરતો નામંજૂર 
નવી દિલ્હી, તા.29: નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોની દિલ્હી કૂચ અને કેન્દ્ર સરકારની વાટાઘાટો માટે મંત્રણાની શરતી ઓફર વચ્ચે ખેડૂત આગેવાનોએ રવિવારે સાંજે પત્રકાર પરિષદ યોજી એલાન કર્યું કે તેઓ બુરાડી મેદાન નહીં જાય, તે એક ખુલ્લી જેલ છે. સરકારની શરતો અને ખેડૂતોના અડગ વલણથી મામલો ઉકેલાવાને બદલે વધુ ગૂંચવાયો છે.
ખેડૂત સંગઠન બીકેયુ ક્રાંતીકારી(પંજાબ)ના પ્રદેશ અધ્યક્ષ સુરજીતસિંહ ફૂલે કહ્યું કે વાતચીત માટે શરત રાખવી એ ખેડૂતોનું અપમાન છે. અમે બુરાડી ક્યારેય નહીં જઈએ, તે ઓપન પાર્ક નહીં ઓપન જેલ છે. 
કૃષિ મંત્રી બાદ ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ આપ્યા બાદ આજે બુરાડી મેદાન જવું કે નહીં તે માટે ? તે અંગે ખેડૂત સંગઠનોની બેઠક મળી જેમાં નિર્ણય લેવાયો કે આંદોલનકારીઓ બુરાડી મેદાન નહીં જાય. તેમને એવી બાબત જાણવા મળી છે કે બુરાડી મેદાન ઓપન જેલ છે. ઉત્તરાખંડ કિસાન સંગઠનનાં અધ્યક્ષને દિલ્હી પોલીસે કહ્યું હતું કે તેમને જંતરમંતર લઈ જવાશે બાદમાં બુરાડી લઈ જઈને બંધ કરી દીધા હતા.
આંદોલનકારી ખેડૂતોએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે દિલ્હીના બુરાડી મેદાનમાં જવા સરકારે આપેલી ઓફર ફગાવી દીધી છે. ખેડૂત આગેવાનોએ એલાન કર્યું કે તેઓ સિંઘુ બોર્ડરથી ઉઠશે નહીં. જો સરકારે વાતચીત કરવી હોય તો અહીં આવીને કરે. સિંધુ બોર્ડર પર ધામા નાંખનાર ખેડૂતોને સરકારની વાત પર ભરોસો ન હોય તેમ મામલો ઉકેલવા અંગે વાતચીત માટે અહીં જ આવે અને લેખિત વાયદો કરે તેવી માગ કરી છે.
ખેડૂત આગેવાનોએ શંકા વ્યક્ત કરી કે અત્યાર સુધીમાં દિલ્હીમાં યોજાયેલા તમામ મોટાં આંદોલનો કાં તો જંતરમંતર પર અથવા રામલીલા મેદાનમાં યોજાયા છે. બુરાડી મેદાનમાં આજ સુધી કોઈ પ્રદર્શન યોજાયું નથી તો સરકાર ખેડૂતોને બુરાડી મેદાન શા માટે ખસેડવા ઈચ્છે છે ?
પંજાબ, હરિયાણા, યુપી સહિત તમામ ખેડૂત સંગઠનોએ માગ કરી કે સરકાર અહીં આવીને વાત કરે, તેઓ બુરાડી મેદાન નહીં જાય. જો તમે 1200 કિમી દૂર હૈદરાબાદમાં જનસભા સંબોધવા જઈ શકો તો 15 કિમી દૂર આવેલી સિંઘુ બોર્ડરે વાતચીત માટે આવવામાં શું વાંધો છે ?

Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer