બે વર્ષ અગાઉ બિગ બોસ -12 રિયાલિટી શોમાં જોવા મળેલા ભજન સમ્રાટ અનુપ જલોટા તાજેતરમાં વેબ સિરીઝ પાતાલ લોકમાં રાજકારણી તરીકે જોવા મળ્યા હતા. હવે એવું લાગે છે કે તેમને એકેટિંગ કરવાની ચાનક ચડી છે. આથી તેઓ એક નહીં પણ બે ફિલ્મમાં જોવા મળશે. આમાંની પહેલી ફિલ્મ સત્યા સાઈબાબા છે જે આ મહિનાના અંતમાં રજૂ થશે. જયારે બીજી એક ફિલ્મ તેમનો વિદ્યાર્થી બનાવશે અને તે આ વર્ષના અંતમાં રજૂ થશે.
રસપ્રદ વાત એ છે કે અનુપ પિતા પુરુષોત્તમદાસ જલોટા સાથે ઘણા પ્રસંગે સત્ય સાઈબાબાને મળ્યા છે અને તેમણે પોતે વર્ષો પહેલાં ભવિષ્વાણી કરી હતી કે અનુપ તેમની ભૂમિકા ભજવશે. સત્ય સાઈબાબા સમક્ષ એક વાર ભજન ગાવાની તક મળી હોવાનો આનંદ વ્યક્ત કરતાં અનુપે જણાવ્યું હતું કે હું બાર વર્ષનો હતો ત્યારે બાબાએ મને છોટે બાબા કહ્યો હતો. મેં એનું કારણ પૂછયું તો કહ્યું કે તને ભવિષ્યમાં ખબર પડશે. હવે પંચાવન વર્ષ બાદ મને સમજાયું કે તેમને ખબર હતી કે તેમના જીવન પરની ફિલ્મમાં હું તેમનું પાત્ર ભજવીશ. મારે તેમની નકલ કરવાની હતી પરંતુ મજાક થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું હતું. મેં જયારે ફિલ્મ જોઈ ત્યારે મને સંતોષ થયો હતો.
ફિલ્મ સત્ય સાઈબાબાના દિગ્દર્શક વિકી રાણાવત છે અને તેમાં અનુપની સાથએ જેકી શ્રોફ, સાધિકા રંધાવા અન કિશોરી શ્હાણે છે. અનુપને વિશ્વાસ છે કે હાલમાં કોઈ મોટા સ્ટારની ફિલ્મ રજૂ નથી થઈ એટલે આ ફિલ્મ સુપરહિટ થશે. ફિલ્મ વૈશ્વિક સ્તરે રજૂ થશે અને લોકોને તે ગમશે.
Published on: Wed, 13 Jan 2021
અનુપ જલોટા જોવા મળશે સત્ય સાઇબાબાના પાત્રમાં
