ફિલ્મ એક વર્સીસ એકેમાં હાસ્સભર કૅમિયો કર્યા બાદ હવે બોની કપૂર ફરી રૂપેરી પરદે અભિનય કરતા જોવા મળશે. સામાન્ય રીતે અત્યારે બૉલીવૂડમાં કલાકારા ફિલ્મ નિર્માતા બની રહ્યા છે જયારે વર્ષોથી ફિલ્મ નિર્માતા તરીકે જાણીતા બોની હવે ફિલ્મ કલાકાર બનશે.
રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર અને ડિમ્પલ કાપડિયા અભિનિત લવ રંજનની ફિલ્મમાં રણબીરના પિતાની ભૂમિકાની અૉફર કરવામાં આવતાં બોની ના પાડી શકયા નથી.
વાસ્તવમાં લવ રંજનની ફિલ્મમાં અભિનય કરવાની અૉફર મળતાં બોનીને નવાઈ લાગી હતી. નિર્માતા તરીકે 30 ફિલ્મ બનાવનાર બોનીએ અભિનયની અૉફર સ્વીકારી લીધી હતી.
આ ફિલ્મના કલાકાર કસબીઓ દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યા છે અને બોની ટૂંક સમયમાં પોતાના અભિનય પ્રવેશની જાહેરાત કરશે. મહત્ત્વની વાત એ છે કે બોનીનો ભાઈ અનિલ કપૂર પણ આગામી ફિલ્મ ઍનિમલમાં રણબીરના પિતાની ભૂમિકા ભજવી રહ્યો છે. જયારે તેના ત્રીજા ભાઈ સંજય કપૂરે ઝોયા ફેકટર અને મુબારકાંમાં પિતાની ભૂમિકા ભજવી છે. મિ. ઇન્ડિયા અને નો એન્ટ્રી જેવી ફિલ્મો બનાવનાર બોનીને હવે ફિલ્મી પરદે જોવા ચાહકો આતુર છે.
Published on: Wed, 13 Jan 2021
બોની કપૂર બનશે રણબીર કપૂરના પિતા
