કાંગારું કપ્તાન પેન ઢીલોઢફ : અશ્વિનની માફી માગી

સિડની, તા.12: ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને ભારત વિરુદ્ધ ડ્રો થયેલ સિડની ટેસ્ટ દરમિયાન પોતાનાં વર્તન બદલ માફી માંગી છે. તેણે કહ્યંુ છે કે તેની કપ્તાની સારી ન હતી અને રવિચંદ્રન અશ્વિન સાથે સ્લેજિંગ કરીને તે બેવકૂફ જેવો નજરે પડી રહ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ઇજા છતાં અશ્વિને અને વિહારીને કાંગારુ બોલરોનો 43 ઓવર સુધી મક્કમતાથી સામનો કરીને ત્રીજો ટેસ્ટ ડ્રો કર્યો હતો. આ દરમિયાન ઓસિ. સુકાની પેન દ્વારા અશ્વિનને ઉશ્કેરવાની ઘણી કોશિશ થઈ હતી. તેનાં વર્તનની વ્યાપક ટીકા થઈ રહી છે.બાદમાં હવે ટિમ પેને ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યંy કે મેં મેચ બાદ તુરત અશ્વિન સાથે વાત કરી હતી. મેં તેને કહ્યંુ કે અંતમાં તું જોઈ શકે છે કે હું કેટલો બેવકૂફ લાગી રહ્યો છું. શું મેં આવું નથી કર્યું ? આપ મોં ખોલો છો અને કેચ ટપકાવો છો. હું ટીમનું સુકાન સંભાળતા ગર્વ અનુભવું છું, પણ કાલે જે કેટલીક ઘટના ઘટી તે સબબ માફી માંગુ છું. સિડની ટેસ્ટમાં ઓસિ. સુકાની-વિકેટકીપર પેને ઋષભ પંતના બે અને અશ્વિન-વિહારીને એક-એક જીવતદાન આપ્યા હતા. જેના પર તેણે સ્વીકાર્યું કે મારા પર મેચનું દબાણ હાવી થઈ ગયું હતું. મારી કેપ્ટનશીપ પણ સારી રહી ન હતી. આથી મારો મૂડ પ્રભાવિત થઈ ગયો હતો અને મારા દેખાવ પર અસર પડી. ટીમની આશા પર હું ખરો ઉતર્યો નહીં. 
મેચ ફીનો 15 ટકાનો દંડ
ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેન તેનાં નબળાં નેતૃત્વ અને ખરાબ વિકેટકીપિંગ લીધે નિશાન પર છે. સિડની ટેસ્ટ દરમિયાન તેની વર્તણૂક પણ ખરાબ રહી હતી. તેણે અમ્પાયરના કેટલાક નિર્ણયનો પણ વિરોધ કર્યો હતો. આથી મેચ રેફરીએ પેન પર મેચ ફીનો 15 ટકાનો દંડ ફટકાર્યો છે.

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer