અમેરિકન પૅકેજની આશાએ સોના-ચાંદીની ખરીદી વધી

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 12 : એક મહિનાના તળિયાના સ્તરેથી સોના-ચાંદીમાં ધીમો સુધારો આવ્યો હતો. અમેરિકા વધુ ઉદ્દીપક પેકેજ આપશે અને તેના જોરે ફુગાવામાં વૃદ્ધિ નોંધાશે તેવો ભય લાગી રહ્યો હોવાથી સોનામાં  ફરીથી થોડી ખરીદી ખૂલી છે. ન્યૂ યોર્કની બજારમાં સોનું 1859 ડૉલર અને ચાંદી 25.45 ડૉલરની સપાટીએ રનિંગ હતી. એની અસરથી રાજકોટમાં 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા.180 વધીને રૂા. 51400 અને મુંબઈમાં રૂા. 130 વધતા રૂા. 49664 હતો. ચાંદી એક કિલોએ રૂા. 650ની તેજીમાં રૂા. 65800 હતી. મુંબઈ ચાંદી રૂા. 551 સુધરતા રૂા. 65564 રહી હતી. 
ડેમોક્રેટસ દ્વારા ઘણું મોટું નાણાકીય પેકેજ આપવામાં આવશે, તેવું મની માર્કેટ માની રહી છે. એમ થવાનું મોટેભાગે નિશ્ચિત છે એ જોતા ફુગાવાને આવનારા સમયમાં બળ મળે તેમ છે એવું વિષ્લેષકો જણાવે છે. ડૉલર અને ટ્રેઝરીને લીધે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે તે ફુગાવાની વૃદ્ધિ સાથે ફરીથી વધવા લાગશે. 
અમેરિકી પ્રમુખ જૉ બાઇડન કહે છે, અમેરિકાના લોકો વધારે આર્થિક રાહતો કોવિડ મહામારીને લીધે ઇચ્છી રહ્યા છે અને હવે ટ્રિલિયન ડૉલરની જરૂર પડશે. એ જોતા અમેરિકા મોટાંપ્રમાણમાં ડૉલર છાપશે, એમ જાણકારો કહી રહ્યા છે. તેને લીધે સિસ્ટમમાં નાણાંનો મોટોપ્રવાહ વહે તેમ છે.


Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer