લૉકડાઉન પછી બિઝનેસ ધંધામાં સળવળાટ વધતાં નફો વધશે
મુંબઈ, તા. 12 (એજન્સીસ ) : ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક (અૉક્ટોબરથી ડિસેમ્બર) માં કંપનોની કામગીરીમાં ઘણો સુધારો દેખાવાની શક્યતા છે. તહેવારોની મોસમ, દબાયેલી માગમાં ઉછાળો, ખર્ચમાં કાપ અને નિયમોમાં છૂટને કારણે કોર્પોરેટ ક્ષેત્રના નફામાં વધારો થવાની અપેક્ષા નિષ્ણાતો રાખે છે.
અત્યારે દેશના ગણ્યાગાંઠા વિસ્તારો જ લૉકડાઉન નીચે છે. બિઝનેસ ધંધાઓમાં સક્રિયતા આવી છે. તમામ ક્ષેત્રોની કંપનીઓની આવકમાં વધારો દેખાશે જે આગળ બે ત્રિમાસિક કરતા સારો રહેશે. કેપિટલ ગુડ્સ ક્ષેત્રમાં ઓર્ડર વધ્યા હોવાનું જણાશે.
હાઈ ફ્રીક્વન્સી ડેટા થોડી અસમાન રિકવરી દેખાડે છે. વેચાણ એક મહિનામાં ઘટે છે તો બીજા મહિનામાં વધે છે. એવા ઉદ્યોગો પણ છે જેમાં સ્થાનિક બજાર સુધરી નથી પણ નિકાસ બજારમાં કામગીરી વધુ સારી રહી છે. ટૂ વ્હીલર વાહનોના કિસ્સામાં આમ જ બન્યું છે.
ત્રીજા ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો થોડા દિવસોમાં આવવા શરૂ થશે.
સ્ટીલમાં પણ છેલ્લાં વર્ષના સમાન ત્રિમાસિકની સરખામણીમાં માગ નબળી રહી હતી પણ ભાવ વધારાનો લાભ મળતા માર્જિનમાં વધારો થયો હોવો જોઈએ. રિટેલરોના આંકડા પણ સારા આવવા જોઈએ. તહેવારોની માગ, મેરેજ સિઝન અને દુકાનોને વધારે સમય સુધી ખુલ્લી રાખવાની મંજૂરી જેવા કારણોને લીધે તેમને ફાયદો થયો હશે એમ નિષ્ણાતો કહે છે. મોલમાં પણ લોકોની અવરજવર વધી છે.
આઇટી ક્ષેત્ર માટે આમ તો ડિસેમ્બર ત્રિમાસિક નબળું મનાય, પણ આ વર્ષે એ વધુ સારું રહ્યું હતું. મોટા ડીલ બન્યા હતા, ડિજિટલ ખર્ચમાં વધારો થયો હતો અને રજા ઓછી હતી.
બૅન્કિંગ ક્ષેત્રના માંધાતોનુ કહેવું છે કે ત્રીજા ત્રિમાસિકમાં એનપીએમાં બહુ વધારો થયો નથી. પણ એપ્રિલથી ડિસેમ્બરના નવ મહિનામાં એનપીએમાં કેટલો વધારો થયો એ કહેવું મુશ્કેલ છે કેમ કે નવા એનપીએ જાહેર કરવામાં બૅન્કોને રાહત આપવામાં આવી હતી.
Published on: Wed, 13 Jan 2021
ડિસે. 20 ત્રિમાસિકનાં કૉર્પોરેટ પરિણામોમાં સુધારો દેખાશે
