ચીન-વિયેટનામનાં ધોરણે સાત મેગા ટેક્સ્ટાઇલ પાર્કની યોજના : દરેક પાર્ક 1000થી વધુ એકરમાં હશે

ચીન-વિયેટનામનાં ધોરણે સાત મેગા ટેક્સ્ટાઇલ પાર્કની યોજના : દરેક પાર્ક 1000થી વધુ એકરમાં હશે
2025-26 સુધીમાં ઉદ્યોગનું કદ 300 અબજ ડૉલર પહોંચાડવાનું લક્ષ્ય
નવી દિલ્હી, તા. 12 (એજન્સીસ) : ચીન, વિયેટનામ, ઇથોપિયાના છે તેવા ભારતમાં સાત મેગા ટેક્સ્ટાઇલ પાર્ક ઊભા કરવાની દરખાસ્ત સરકારની વિચારણા હેઠળ છે. ઉદ્યોગનું કદ બમણું અર્થાત્ 2025-26માં 300 અબજ ડૉલરની સપાટીએ પહોંચાડવાનો આ પાછળનો હેતુ છે. સૂચિત નેશનલ ટેક્સ્ટાઇલ પોલિસીમાં આવી જાહેરાત થવાની ધારણા છે.
મીત્રા (મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સ્ટાઇલ રિજીઅન ઍન્ડ એપરલ) પાર્કસ દરેક 1000થી વધુ એકરમાં ઊભા કરવાની યોજના છે. અત્રે અવિરત જળપુરવઠો અને વીજળીપુરવઠો મળ્યા કરશે. અત્રે કોમન યુટિલિટી ઉપરાંત સંશોધન-વિકાસ લેબ પણ હશે. આ પાર્ક નિકાસલક્ષી રોજગારલક્ષી અને પર્યાવરણ પ્રેમી હશે. આમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી રોકાણ ઘણું આકર્ષી શકાશે. અત્યારે ટેક્સ્ટાઇલ ક્ષેત્રમાં એફડીઆઈ માત્ર 0.69 ટકા છે.
સ્કીમ ફૉર ઇન્ટિગ્રેટેડ ટેક્સ્ટાઇલ પાર્ક્સ (એસઆઈટીપી) હેઠળ ભારત સરકારે 50 ટેક્સ્ટાઇલ પાર્ક્સને મંજૂરી આપી હતી. આમાંથી 22 પાર્ક તૈયાર થઈ ગયા છે. આમાં જમીન પ્રાપ્તિમાં વિલંબ, વિવિધ કાનૂની મંજૂરીઓ મેળવવામાં થતો વિલંબ અને પૂરતું ફંડ ઊભું કરવાની અસફળતાના કારણે આ પાર્ક યોજવાને ધારી સફળતા મળી નથી. 
આથી હવે સરકારે મિત્રા પાર્ક્સ તરફ નજર દોડાવી છે.
2005માં એસઆઈટીપી સ્કીમ શરૂ કરાઈ હતી. આમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલનો અભિગમ હતો. આમાં પ્રોજેક્ટ કોસ્ટની 40 ટકા રકમ સરકાર આપે છે જે દરેક પાર્ક દીઠ રૂા. 40 કરોડની ટોચમર્યાદાને આધીન છે.

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer