સુપ્રીમની સમિતિ સામે કિસાન મહાસભાના સવાલ

મુંબઈ, તા. 12 : સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાની અમલબજાવણી પર સ્ટે મૂકીને કૃષિ કાયદાની સમીક્ષા કરવા માટે એક તજજ્ઞ સમિતિ નીમવાનો આદેશ આપ્યો છે. જોકે, ખેડૂત સંગઠનોએ સમિતિના સભ્યો અંગે શંકા વ્યક્ત કરી છે. કિસાન મહાસભાના નેતા ડૉ. અજિત નવલેએ આ બાબતે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે સમિતિ સ્થાપન કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આ સમિતિમાં જે નામોનો સમાવેશ કરવા અંગે સંદેશો આપવામાં આવ્યો છે એમાંથી મોટા ભાગનાં નામ ઉદ્યોગ જૂથ સાથે સંકળાયેલાં અને કૃષિ કાયદાને સમર્થન કરનારાનાં છે. એમાંથી કેટલાકે કાયદાના સમર્થનમાં આંદોલન ર્ક્યું છે. આમ આ સમિતિમાં સરકારની ભૂમિકાનું સમર્થન કરનારા નેતાઓનો સમાવેશ છે. આ સમિતિ પાસે ન્યાયની અપેક્ષા કરી શકાય કે? એવો સવાલ પણ તેમણે પૂછ્યો હતો. 
તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને લીધે ખેડૂતોની લડાઈ એક પગલું આગળ વધી છે અને ખેડૂતોનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. જોકે, આ ત્રણે કાયદા કૃષિ પાકનો વેપાર ઉદ્યોગપતિઓના હાથમાં આપવા, તેમને કમાણી કરાવવા, ખેડૂતોને વધુ લૂંટવા માટે અને અન્ન સુરક્ષામાં પોતાની ઈજારાશાહી સ્થાપિત કરવા માટે જ આણવામાં આવ્યા હતા. આ કાયદા સંપૂર્ણપણે રદ થાય નહીં અને ખેડૂતોને સંરક્ષણ આપે નહીં ત્યાં સુધી આ આંદોલન અટકશે નહીં.

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer