રાજ ઠાકરેની સુરક્ષામાં કાપ મુકાતા, મનસેએ મહારાષ્ટ્ર રક્ષક પથક બનાવ્યું

મુંબઈ, તા. 12 : મહાવિકાસ આઘાડી સરકારે રાજ્યના અનેક નેતાઓ સાથે જ મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેની સુરક્ષામાં પણ કપાત કરવાનો નિર્ણય લીધો છે. આને લીધે મનસેના સૈનિકોમાં નારાજગી ફેલાઈ છે. સરકારના નિર્ણયનો નિષેધ કરીને તેમણે જાતે રાજ ઠાકરેની સુરક્ષા કરવાનું નક્કી ર્ક્યું છે. આ માટે તેમણે મહારાષ્ટ્ર રક્ષક પથકની સ્થાપના કરી છે.
મનસેએ રાજ્યની ગ્રામપંચાયતની ચૂંટણી ગંભીરતાપૂર્વક લડવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં મહાપાલિકાની ચૂંટણી પણ થવાની છે. આ નિમિત્તે મનસેના પદાધિકારીઓ સાથે રાજ ઠાકરેએ એમઆઈજી ક્લબમાં ચર્ચા કરી હતી. ત્યાં કેટલાક કાર્યકરોએ `મહારાષ્ટ્ર રક્ષક' લખેલા કાળા ટીશર્ટ પહેર્યાં હતાં. રાજ ઠાકરેની સુરક્ષા માટે આ તૈયારી હોવાનું જાણવા મળ્યું હતું. મનસેના મહામંત્રી નયન કદમના માર્ગદર્શન હેઠળ આ સ્કવોડ સ્થાપવામાં આવી છે. આ અગાઉ રાજ્ય સરકારે રાજ ઠાકરેને આપવામાં આવતી સુરક્ષા પાછી ખેંચી હતી ત્યારે પણ આવી જ સ્કવોડ `કૃષ્ણકુંજ' પર તહેનાત કરવામાં આવી હતી.
રાજ ઠાકરેના હાથમાં ફ્રેક્ચર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે પાર્ટીના પદાધિકારીઓ સાથે ચર્ચા કરવા બાન્દરાની એમઆઈજી ક્લબમાં પહોંચ્યા ત્યારે તેમના હાથમાં પ્લાસ્ટર કરેલું હોવાથી ઉપસ્થિતોમાં ચર્ચા શરૂ થઈ હતી. શિવાજી પાર્કના જિમખાનામાં ટેનિસ રમતી વખતે હેરલાઈન ફ્રેકચર થયું હોવાનું અને ડૉક્ટરની સલાહ મુજબ હાથને સપોર્ટર લગાડયું  હોવાનું તેમણે  જણાવ્યું હતું.

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer