જુનિયર કૉલેજ પ્રવેશની છેલ્લી તક

આજથી વહેલાં તે પહેલાંનાં ધોરણે ઍડમિશનનો પ્રથમ રાઉન્ડ 
મુંબઈ, તા. 12 : ફર્સ્ટ યર જુનિયર કૉલેજ (એફવાયજેસી-11મું ધોરણ)માં એડમિશન માટે છેલ્લી તકની જાહેરાત કરીને, શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે, વહેલો તે પહેલા ધોરણે ખાલી બેઠકો ભરવા માટેનો રાઉન્ડ 13 જાન્યુઆરીથી શરૂ થશે. વિદ્યાર્થીઓ દસમા ધોરણના માર્ક્સના આધારે તેમને ફાળવાયેલા દિવસોએ બેઠક મેળવવા માટે સમર્થ થશે. 
શિક્ષણ વિભાગે ગત વર્ષે એક જનરલ રિઝોલ્યુશન (જીઆર)માં એવી જાહેરાત કરી હતી કે આ વર્ષે વહેલો તે પહેલા ધોરણે એડમિશન માટેનો રાઉન્ડ નહીં યોજાય, પરંતુ એડમિશનનાં પાંચ રાઉન્ડ બાદ પણ અનેક બેઠકો ખાલી હોવાથી શિક્ષણ વિભાગે આ સપ્તાહની શરૂઆતમાં ફેરવી તોળ્યું હતું. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં 2.11 લાખ અરજદારોમાંથી 1.9 લાખ અરજદારોએ વિવિધ કૉલેજોમાં એડમિશનને કન્ફર્મ કર્યું છે. 
આ વર્ષે `વહેલો તે પહેલા' ધોરણે એડમિશનનો રાઉન્ડ સાત તબક્કામાં યોજાશે. પ્રથમ રાઉન્ડમાં 90 ટકાથી વધુ માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓ 13થી 15 જાન્યુઆરીની વચ્ચે બેઠક માટે દાવો કરી શકશે. 
એડમિશન માટેનો આ છેલ્લો રાઉન્ડ હોવાથી શિક્ષણ વિભાગ માત્ર અસ્તિત્વમાન વિદ્યાર્થીઓને જ છૂટ નહીં આપે, પરંતુ નવા ફોર્મ પણ સ્વીકારશે. ડેપ્યુટી ડિરેક્ટર (મુંબઈ), સંદીપ સાંગવેએ જણાવ્યું હતું કે, આ રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ કાળજી રાખવી પડશે. બેઠક મેળવવા માટે લાગિંગ કરવા અગાઉ વિદ્યાર્થીઓએ ખાલી બેઠકો, પ્રવાહ, માધ્યમ, વિષયો, કૉલેજ કોડ અને સ્થળ તપાસવા માટે પોર્ટલનો ઉપયોગ કરવો પડશે. કોઈ વિદ્યાર્થી ભૂલથી કોઈ કૉલેજને સિલેક્ટ કરે તો તેણે બેઠક કેન્સલ કરીને નવી બેઠકનો લાભ લેવા પોર્ટલનો ઉપયોગ કરવો પડશે. 
અપાયેલા ચોક્કસ સમયમાં સંબંધિત કૉલેજમાં એડમિશનને વિદ્યાર્થીઓએ કન્ફર્મ કરવું પડશે. 80 ટકાથી વધુ માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓ માટે બીજો રાઉન્ડ 16થી 18 જાન્યુઆરીની વચ્ચે, 70 ટકાથી વધુ માટે 19 અને 20 જાન્યુઆરી, 60 ટકાથી વધુ માટે 21-22 જાન્યુઆરી, 50 ટકાથી વધુ માટે 23થી 25 જાન્યુઆરી સુધી યોજાશે. દસમા ધોરણમાં પાસ થયેલા તમામ માટે 27-28 જાન્યુઆરીએ યોજાશે.

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer