બર્ડ ફ્લૂ : મૃત પક્ષી વિશે 1916 નંબર પર જાણ કરવી

બર્ડ ફ્લૂ : મૃત પક્ષી વિશે 1916 નંબર પર જાણ કરવી
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 12 : મુંબઈમાં બે મૃત કાગડાના સેમ્પલ બર્ડ ફ્લૂ માટે પોઝિટિવ આવતા મુંબઈ પાલિકાએ પક્ષીઓનાં મૃત્યુની જાણ કરવા અને તેમના અવશેષોનો સલામત રીતે નિકાલ કરવા અંગે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. પાલિકાએ લોકોને પક્ષીઓનાં મૃત્યુ વિશે જાણકારી 1916 નંબર પર આપવાની પણ વિનંતી કરી છે. આ બન્ને મૃત કાગળાના સેમ્પલ ટેસ્ટ માટે ભોપાલની લેબમાં મોકલવામાં આવ્યાં હતાં. 
પાલિકાએ કહ્યું હતું કે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ગાઈડલાઇન્સ અનુસાર મૃત પક્ષીઓનો નિકાલ કરશે. આ મૃત પક્ષીઓને ખાડામાં દાટવામાં આવશે અને દાટતી વખતે ચૂનો પણ મોટા પાયે ખાડામાં નાખવામાં આવશે. પ્રાણીઓ માટી ઉલેચી પક્ષીઓને ખાઈ ન જાય એ માટે ચૂનો નાખવામાં આવે છે. ભાયખલાના રાણીબાગને પણ બર્ડ ફ્લૂ વિશેની સેન્ટ્રલ ઝૂ અૉથોરિટીની ગાઈડલાઇન્સનું પાલન કરવા જણાવવામાંઆવ્યું છે. 
બીજી તરફ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાનાં બે ગામ કેન્દ્રેવાડી અને સુકનીમાં પક્ષીઓમાં બર્ડ ફ્લૂનો ચેપ હોવાનું પુરવાર થતાં પ્રશાસને મરઘીઓની કતલ કરવાનો આદેશ આપ્યો છે. આ બન્ને ગામના એક કલોમીટર વ્યાસ વિસ્તારમાં આવેલી મરઘીઓની કતલ કરાશે. કેન્દ્રેવાડીમાં સોમવારે બર્ડ ફ્લૂને કારણે કમસે કમ 225 મરઘીઓનાં મોત થયાં હતાં જ્યારે સુકનીમાં 12 મરઘી મૃત્યુ પામી છે. આ ઉપરાંત ઉદગીર તાલુકા વાંજરવાડીમાં ચાર મરઘીનાં મૃત્યુ થયાં છે.  દરમિયાન મહારાષ્ટ્રના પશુસંવર્ધન ખાતાના પ્રધાન સુનિલ કેદારે કહ્યું હતું કે પૉલ્ટ્રી ફાર્મ ક્ષેત્રમા જે અસંગઠિત ખેલાડીઓ છે તેમને પણ વીમા કવચ મળે એની વ્યવસ્થા સરકાર કરી રહી છે. આ વિશેનો પ્રસ્તાવ આગામી બજેટમાં રજૂ કરાશે. સોમવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બર્ડ ફ્લૂ વિશે જે બેઠક બોલાવી હતી એમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. 
મહારાષ્ટ્રમાં મુંબઈ ઉપરાંત પરભણી, થાણે, બીડ, લાતુર અને દાપોલીમાં બર્ડ ફ્લૂના કેસ મળ્યા છે. પરભણીમાં 70થી 80 હજાર મરઘીની હત્યા કરાશે.  દેશમાં મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત, કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં બર્ડ ફ્લૂના કેસ મળ્યા છે. 

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer