કોવિશિલ્ડના 56 લાખ ડૉઝ દેશના 13 શહેર સુધી પહોંચ્યા

કોવિશિલ્ડના 56 લાખ ડૉઝ દેશના 13 શહેર સુધી પહોંચ્યા
સરકાર સિરમના 1.10 કરોડ ઉપરાંત બાયોટેકના પંચાવન લાખ ડૉઝ ખરીદશે?
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી / પુણે, તા. 12 :  ગોઝારા કોરોનાના ખાતમા માટે મોટા પાયે રસીકરણનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે. કેન્દ્ર સરકારે સિરમ ઈન્સ્ટિટયૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપ્યા બાદ હવે 16મી જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશન શરૂ થશે. આજે કોવિશિલ્ડના પ6 લાખનો ડોઝ પુણેથી અમદાવાદ અને દિલ્હી સહિત 13 શહેરમાં આવી પહોંચ્યો હતો તો બીજી તરફ બાયોટેકની રસીનો જથ્થો પણ રવાના થવા માટે તૈયાર છે. સરકાર સિરમ પાસે 1.10 કરોડ ડોઝ ખરીદશે તો બાયોટેક પાસે પપ લાખ રસીની ખરીદી કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણના જણાવ્યા અનુસાર  ભારત બાયોટેક પ્રથમ 16.પ લાખ ડોઝ સરકારને મફત આપશે. બાકીના 38.પ લાખ ડોઝની ખરીદી સરકાર રૂ.29પની કિંમતે કરશે.
સરકાર તરફથી સરકારી કંપની એચએલએલ લાઈફ કેર કંપની આ ખરીદી કરશે. મીડિયા હેવાલો મુજબ કોવિશિલ્ડની કિંમતો વેરા સહિત રૂ.220 અને કોવેક્સિનની કિંમત રૂ.309 રહેશે. સરકાર એપ્રિલમાં ફરી સિરમ પાસેથી સાડા ચાર કરોડ રસીના ડોઝ ખરીદશે. 
સિરમના સીઈઓ અદાર પૂનાવાલાએ આજે જણાવ્યું હતું કે  રસી વિવિધ શહેરોમાં પહોંચાડવામાં આવી રહી છે અને અમારા માટે આ ઐતિહાસિક ક્ષણ છે. સિરમે સરકારને પહેલો જથ્થો માત્ર રૂ.200 પ્રતિ ડોઝ આપવાનો નિર્ણય લીધો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે  પુણેથી દિલ્હી અને ચેન્નાઈના સ્પાઈસજેટ અને ગોએરના ઉડ્ડયન સાથે રસીકરણનું અભિયાન શરૂ થઈ ગયું છે. આ બંને એરલાઈન્સ ઉપરાંત એર ઈન્ડિયા,ઈન્ડિગોની ઉડાનો પુણેથી દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, ગુવાહાટી, શિલ્લોંગ, ભુવનેશ્વર, પટણા, લખનૌ, બેંગ્લોર, વિજયવાડા, અમદાવાદ, હૈદરાબાદ અને ચંડીગઢ સુધી રસીના પ6.પ લાખ ડોઝ પહોંચાડશે. 
માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે ભારત વિશ્વની સૈથી મોટી રસીકરણ ઝુંબેશ માટે સજ્જ  છે. 
દિલ્હી માટેની પહેલી ઉડાન આઠ વાગ્યે રવાના થઈ હતી.

Published on: Wed, 13 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer