પ્રતિબંધિત નાઇલોન માંજાને લીધે પંદર દિવસમાં પાંચનાં મોત

આજે મકરસંક્રાંતિએ સાવધાન રહેજો
નાગપુર, તા.13 : પ્રતિબંધ હોવા છતાં ખૂલ્લેઆમ વેચાતો નાઇલોન માંજો જોખમી સાબિત થઇ રહ્યો છે. નાગપુરમાં મંગળવારે એક વીસ વર્ષના યુવાનનું માંજાથી ગળું ચિરાઇ ગયું હતું. મૃતકની ઓળખ પ્રણય ઠાકરે તરીકે થઇ છે. ગત પંદર દિવસોમાં નાગપુરમાં નાઇલોન માંજાથી પાંચના મોત થયા છે. તેમ જ રસ્તા પર માંજાની અડફેટે આવતા અનેક ટુ વ્હીલર વાળાઓને તકલીફોનો સામનો કરવો પડયો હતો. પોલીસે નાઇલોન માંજા સામે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. પ્રણય કૉલેજ જઇ રહ્યો હતો તે દરિમયાન તેનું ગળું નાઇલોન માંજામાં ફસાઇ જતા તેનું ગળું ચિરાતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મામલે પોલીસે અજ્ઞાત શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નાગપુરમાં આવી અનેક ઘટના નોંધાઇ છે, જેમાં મોટાભાગની ઘટનાઓ રેલવે ટ્રેક નજીક થતી સામસામે પતંગબાજીઓની નોંધાઇ છે. નાઇલોન માંજા પર પ્રતિબંધ હોવા છતાં તેનું ખૂલ્લેઆમ ધૂમ વેચાણ થઇ રહ્યું હોવાનો આક્રોશ સ્થાનિકોએ વ્યકત કર્યો છે. 
 દરમિયાન મુંબઇ પોલીસે ચાઇનીઝ તેમ જ પ્લાસ્ટિક અને કેમિકલ્સથી બનેલા નાઇલોન માંજાના ઉપયોગ ન કરવાની વિનંતી મુંબઇગરાંને કરી છે. નાઇલોન માંજાના વપરાશકારો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી મુંબઇ પોલીસે આપી છે. દર વર્ષે નાઇલોન માંજાથી 50થી 60 પક્ષીઓનાં મોત થાય છે. તેમ જ આ માંજા ધારદાર હોવાથી અનેક બાઇક સવારો તેની ચપેટમાં આવી જતા હોય છે.
Published on: Thu, 14 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer