મુંબઈ, તા. 13 : આવતા વરસે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી હોવાથી હવે દરેક પક્ષને ગુજરાતીઓ યાદ આવી રહ્યા છે. શિવસેનાએ જલેબી ને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણાનો નારો લગાવી ગુજરાતી સંમેલનનું આયોજન કર્યું હતું. તો હવે કૉંગ્રેસ પક્ષે ગુજરાતીઓની સાથે ઉત્તર ભારતીયોને પોતાના પક્ષે કરવાની યોજના બનાવી છે. એ માટે આ બંને સમાજના નેતાઓની ઘરવાપસી કરવાની યોજના મુંબઈ કૉંગ્રેસના નવા અધ્યક્ષ ભાઈ જગતાપે બનાવી છે.
ઉત્તર ભારતીયો અને ઝૂંપડાંવાસીઓ કૉંગ્રેસના પરંપરાગત મતદારો હતા. પરંતુ 2014ની ચૂંટણી બાદ આ મતદારો ભાજપ તરફ વળ્યા. એટલે કૉંગ્રેસની મુંબઈમાં પીછેહઠ થઈ. ગુજરાતી મતદારોએ પણ કૉંગ્રેસથી મોં ફેરવી લીધું. મરાઠી મતો મુખ્યત્વે શિવસેનાને મળે છે. એટલે કૉંગ્રેસ પાસે અન્ય ભાષીની સાથે લઘુમતી મતો પર જ મદાર રહ્યો હતો. હવે મુંબઈ કૉંગ્રેસના નવનિયુક્ત પ્રદેશાધ્યક્ષ ભાઈ જગતાપે ઉત્તર ભારતીય અને ઝૂંપડાંવાસીઓના મતો ફરી કૉંગ્રેસને મળે એ માટે પ્રયાસો શરૂ કરાશે, એમ જણાવ્યું હતું.
એ સાથે કૉંગ્રેસ છોડી ગયેલા બંને સમાજના નેતાને સ્વગૃહે પાછા આવવા સમજાવવામાં આવશે. ભાઈ જગતાપે જણાવ્યું કે પક્ષ છોડી ગયેલા ગુજરાતી-ઉત્તર ભારતીય નેતાઓએ ફરી કૉંગ્રેસમાં આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
Published on: Thu, 14 Jan 2021