સોનુ સૂદ પાસે હૉટલનો પરવાનો નથી : પાલિકા

સોનુ સૂદ પાસે હૉટલનો પરવાનો નથી : પાલિકા
ભેદભાવ થઈ રહ્યાંનો અભિનેતાનો આક્ષેપ
મુંબઈ, તા. 13 : શકિત સાગર ઇમારત વર્ષ 1992થી અહીં છે તે ગેરકાયદે નથી. મેં આ સંપૂર્ણ ઇમારત વર્ષ 2018-19માં ખરીદી છે, જેના દસ્તાવેજો પણ મારી પાસે છે. વર્ષ 1992થી આ ઇમારત જૈસે થે સ્થિતિમાં જ  છે અને આમાંની એક બારીને પણ મેં તોડી નથી એવો દાવો અભિનેતા સોનુ સુદે મુંબઇ હાઈ કોર્ટમાં કર્યો છે. પાલિકા મારી સામે ભેદભાવ કરી રહી છે, એમ પણ સુદે કહ્યું હતું. 
પાલિકાએ  જણાવ્યું હતું કે અભિનેતાએ મુંબઈના એબી નાયર રોડ પર આવેલી શકિત સાગર ઇમારતને પરવાનગી વિના હૉટલમાં ફેરવી દીધી હતી. શકિત સાગર એક રહેવાસી ઇમારત છે જેનો કમર્શિયલ તરીકે ઉપયોગ ગેરકાયદે ગણાય છે. અભિનેતા સામે ઇમારતમાં ફેરફાર, ઇમારતનો ભાગ વધારવો, ઇમારતના નકશામાં પોતાની રીતે બદલી લેવાનો તેમ જ ગેરકાયદે નિર્માણ કરવાનો આરોપ છે. પાલિકાએ એમઆરટીપી એકટની કલમ 53 હેઠળ અભિનેતાને નોટિસ ફટકાર્યા બાદ તેને ગેરકાયદે બાંધકામ માટે અસ્પષ્ટ નોટિસ મોકલી હતી. તેમ છતાં મેં દરેક નોટિસના મારી રીતે પ્રત્યુત્તર આપ્યા હોવાનું અભિનેતાએ કોર્ટને જણાવ્યું હતું.
પાલિકાએ પોતાના જવાબમાં જણાવ્યું હતું કે સુદ પાસે હૉટલ ચલાવવાનો કોઇ પરવાનો નથી. તેમ જ કોઇપણ પ્રક્રિયા માટે તેણે પાલિકાની પરવાનગી લીધી નથી. તેના ગેરકાયદે બાંધકામ સામે અમે પાલિકાએ તોડકામની કાર્યવાહી હાથ ધરી હતી. 
સૂદના વકીલ અમોઘ સિંઘ મુજબ અભિનેતાએ ઇમારતનું સૌંદર્યકરણ અને સુશોભિકરણ કરાવ્યું છે જેને માટે પાલિકાની પરવાનગીની કોઇ જરૂર નથી. જેને લગતા તમામ પુરાવા અમે અદાલતમાં રજૂ કરવા તૈયાર છીએ.
સોનુ સૂદે શરદ પવારની મુલાકાત લીધી 
રહેવાસી ઇમારતને હૉટલમાં રૂપાંતર કર્યા બાદ મુંબઇ મહાનગર પાલિકાના રડાર પર આવેલા અભિનેતા સોનુ સુદે અચાનક રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારની મુલાકાત લીધી હતી. પવારના મુંબઈનાં નિવાસ સ્થાને અભિનેતાએ મુલાકાત લેતાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.
Published on: Thu, 14 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer