સોમનાથની પાર્શ્વભૂમિમાં ગુજરાતી બેકગ્રાઉન્ડ સાથે નવી સિરિયલ પંડયા સ્ટોર સ્ટાર પ્લસ પરથી 25 જાન્યુઆરીથી રાતના 11 વાગ્યે શરૂ થશે. આ શોમાં કિંશુક મહાજન અને શાઈની દોશી મુખ્ય પાત્ર ગૌતમ પંડયા અને ધરા પંડયાના પાત્રમાં જોવા મળશે. આ પારિવારિક ડ્રામા મોટાભાઈના જીવન પર કેન્દ્રિત છે જે પત્નીની જવાબદારી નિભાવવા સાથે પરિવાર અને વ્યવસાયની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે.
પોતાના પાત્રની તૈયારી વિશે કિંશુકે જણાવ્યું હતું કે, મેં પહેલાં પણ ફૅમિલી ડ્રામા ધરાવતી સિરિયલોમાં અભિનય કર્યો છે. છેલ્લી સિરિયલમાં મેં મજબૂત અને ગહન પાત્ર ભજવ્યું હતું અને હવે મને જવાબદાર, કાળજી રાખનાર અને પ્રેમ કરનાર વ્યક્તિનું પાત્ર ભજવવાની તક મળી છે. આ પાત્ર માટે મેં પાંચ કિલો વજન ઉતાર્યું છે અને ડાયટિંગમાં પરેજ કર્યો હતો. વળી શો ગુજરાતી કથા પર આધારિત છે એટલે મારે સંવાદ બોલવાની લઢણ અને ભાષા પણ શીખવાની હતી. સદનસીબે મારી સહકલાકાર શાઈની ગુજરાતી હોવાથી તેણે મને ભાષા શીખવી હતી. સોમનાથ અને બિકાનેરમાં શૂટિંગ કરવાનું સદ્ભાગ્ય પણ મને મળ્યું.
ગુજરાતી અભિનેત્રી શાઈની માટે ધરાનું પાત્ર પડકારરૂપ છે. તેણે કહ્યં હતું કે, હું ગુજરાતી હોવાથી ધરા સાથે મારી જાતને જોડી શકી છું. આમ છતાં મારે પાત્રની બારીકાઈઓ સમજવી જરૂરી હતી એટલે શોની શરૂઆત કરતાં પહેલાં અમે વર્કશોપનું આયોજન કર્યું હતું. મને આશા છે કે દર્શકો ધરા સાથે જોડાઈ જશે. Published on: Sat, 23 Jan 2021
કિંશુક મહાજન - શાઈની દોશીનો પંડયા સ્ટોર
