પહેલી બે ટેસ્ટ માટે 16 ખેલાડીની ટીમ જાહેર કરતું ઇંગ્લૅન્ડ
લંડન, તા.22: સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને ઝડપી બોલર જોફ્રા આર્ચરનો ભારત વિરૂધ્ધની ઇંગ્લેન્ડની પહેલા બે ટેસ્ટની ટીમમાં વાપસી થઇ છે. ઇંગ્લેન્ડની 16 ખેલાડીની ટીમ જાહેર થઇ છે. ચેન્નાઇમાં રમાનાર પહેલા બે ટેસ્ટ માટે ઇંગ્લેન્ડે 6 રિઝર્વ ખેલાડીને ટીમમાં સામેલ કર્યાં છે.
સ્ટોક્સ અને આર્ચરને હાલ શ્રીલંકામાં રમાઇ રહેલી બે ટેસ્ટની શ્રેણીમાં ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ ન કરીને વિશ્રામ અપાયો હતો. ટીમનું નેતૃત્વ ફરી જો રૂટના હાથમાં રહેશે. વિકેટકીપર ઓલી પોપ ભારતનો પ્રવાસ કરશે અને ફિટનેસ સાબિત કરવા પર ટીમ સાથે જોડાશે. તેને પાક. સામેની શ્રેણી વખતે સપ્ટેમ્બરમાં ખભામાં ઇજા થઇ હતી.
ઇંગ્લેન્ડના પસંદગીકારોએ ભારત સામેની શ્રેણીમાં જોની બેયરસ્ટો, સેમ કરન અને માર્ક વૂડને વિશ્રામ આપ્યો છે. આ ત્રણેય હાલ શ્રીલંકાના પ્રવાસની ટીમમાં છે. જયારે ઓપનર રોરી બર્ન્સનું ટીમમાં પુનરાગમન થયું છે.
ઇંગ્લેન્ડની ટીમ: જો રૂટ (કેપ્ટન), જોફ્રા આર્ચર, મોઇન અલી, જેમ્સ એન્ડરસન, ડોમ બેસ, સ્ટૂઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, જેક ક્રાવલે, બેન ફોકસ, ડેન લેક્રેંસ, જેક લિચ, ડોમ સિબલી, બેન સ્ટકોસ, ઓલી સ્ટોન અને ક્રિસ વોકસ.
Published on: Sat, 23 Jan 2021
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લૅન્ડની ટીમમાં સ્ટોક્સ અને આર્ચરની વાપસી
