બીસીસીઆઇના કરારબદ્ધ તમામ ખેલાડીઓ માટે યો-યોની સાથોસાથ નવી ટેસ્ટ આપવી ફરજિયાત
મુંબઇ, તા.22: કોઇ પણ રમતમાં ખેલાડીની ફિટનેસ સૌથી મહત્વની હોય છે. વ્યસ્ત કાર્યક્રમ અને જોરદાર પ્રતિસ્પર્ધા વચ્ચે ખેલાડીઓ માટે ખુદને ફિટ રાખવા મોટો પડકાર હોય છે. ફિટનેસને લઇને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ઘણા સર્તક છે. આમ છતાં તાજેતરની ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી દરમિયાન ટીમ ઇન્ડિયા આ મામલે સતત સંઘર્ષમાં જોવા મળી હતી. અનેક ખેલાડીઓ ઇજાનો ભોગ બન્યા હતા અને અનફિટ જાહેર થયા હતા.
ટીમ ઇન્ડિયામાં સામેલ થવા માટે યો-યો ટેસ્ટ અત્યાર સુધીમાં લેવામાં આવતો હતો. હવે બીસીસીઆઇ ફિટનેસ મામલે નવો ટેસ્ટ લઇને આવ્યું છે. જેનું નામ ટાઇમ ટ્રાયલ ટેસ્ટ રાખવામાં આવ્યું છે. બીસીસીઆઇના કરારબધ્ધ તમામ ખેલાડીઓએ હવેથી યો-યો ટેસ્ટની સાથોસાથ આ નવા ટેસ્ટમાંથી પસાર થવું પડશે.ટાઇમ ટ્રાયલ ટેસ્ટમાં ખેલાડીઓની સ્પીડ અને ફિટનેસનું રેટિંગ ચેક કરવામાં આવે છે. આ ટેસ્ટમાં ખેલાડીઓએ બે કિલોમીટર સુધીનું અંતર કરવ કરવાનું હોય છે.
રિપોર્ટ અનુસાર ઝડપી બોલર માટે આ ટેસ્ટ 8 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરો કરવાનો રહેશે. જ્યારે બેટસમેન, સ્પિન બોલર અને વિકેટકીપરે આ ટેસ્ટ 8 મિનિટ 30 સેકન્ડમાં પૂરો કરવાનો રહેશે. ટાઇમ ટ્રાયલ ટેસ્ટની સાથોસાથ ખેલાડીઓએ યો-યો ટેસ્ટ આપવો ફરજિયાત રહેશે. જેમાં 17.1 પોઇન્ટ જરૂરી હોય છે.
બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે બોર્ડનું માનવું છે કે ફિટનેસને અલગ લેવલ પર લઇ જવાથી હાલના જે સ્ટાન્ડર્ડ છે તેનો ઘણો ફાયદો મળ્યો છે. હવે તેમાં ટાઇમ ટ્રાયલ એકસરસાઇઝ સામેલ કરી છે. બીસીસીઆઇ દર વર્ષે ફિટનેસનું સ્ટાન્ડર્ડ વધારી રહી છે.
બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે નવા ફિટનેસ પ્રોગ્રામને મંજૂરી આપી દીધી છે. આ પછી તમામ કરારબધ્ધ ખેલાડીઓને નવા ફિટનેસ માર્ક વિશે માહિતગાર કરી દેવામાં આવ્યા છે. બોર્ડે કહ્યંુ છે કે આ માટે ત્રણ વિન્ડો ફેબ્રુઆરી, જૂન અને ઓગસ્ટ/સપ્ટેમ્બરમાં રખાશે.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી પરત ફરેલા ખેલાડીઓએ ફેબ્રુઆરીમાં યોજાનાર આ ટેસ્ટમાંથી પસાર થવું પડશે નહીં. જો કે લીમીટેડ ઓવર્સના ખેલાડીઓએ નવો ટેસ્ટ આપવો પડશે. ટીમ ઇન્ડિયા પ ફેબ્રુઆરીથી ઇંગ્લેન્ડ સામે ઘરેલૂ ટેસ્ટ શ્રેણી રમશે.
Published on: Sat, 23 Jan 2021
ટીમ ઇન્ડિયાની ફિટનેસનો નવો માપદંડ : ટાઇમ ટ્રાયલ ટેસ્ટ
