સોનામાં સુધારો ધોવાયો-બોન્ડના યીલ્ડ વધતા ફરી નરમાઇ

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 22 : સોનામાં બે દિવસ સુધારો થયા પછી તેજીના વળતા પાણી થયા હતા. અમેરિકી ડોલરના મૂલ્યમાં સ્થિરતા હતી પણ ટ્રેઝરી યીલ્ડમાં ફરી આકર્ષક વળતર મળવાને લીધે સોનામાં વેચવાલી હતી. ન્યૂયોર્કમાં સોનું ઇન્ટ્રા ડેમાં ઔંસદીઠ 1844 ડોલર સુધી ઘટ્યા પછી 1851 ડોલર આ લખાય છે ત્યારે રનીંગ હતુ. ચાંદી સોનાની તુલનાએ વધુ તૂટતા 25.29 ડોલરના મથાળે હતી. જોકે શુક્રવારના ઘટાડાને ગણવા છતાં ચાલુ સપ્તાહ સોના માટે હકારાત્મક સાબિત થયું છે. અમેરિકા મોટું આર્થિક પેકેજ આપશે એ ગણતરીએ સોનામાં લેવાલી છે. 
આઇજી માર્કેટના વિષ્લેષક કહે છે, સોનું ડોલર અને બોન્ડ યીલ્ડ જેવા કારણો સામે લડી રહ્યું છે. બેરોજગારીના દાવાઓની સંખ્યામાં ઘટાડો થયો છે એટલે યીલ્ડ સુધર્યા છે.યીલ્ડ 1 ટકો વધ્યા છે. બીજી તરફ કોરોનાને કાણે બેરોજગારીના દાવા વધ્યા હતા તે આવનારા દિવસોમાં વધુ ઘટે છેકે કેમ તેના પર બજારની નજર છે. બીજી તરફ યુરોપીયન સેન્ટ્રલ બેંકની નાણા નીતિમાં ખાસ કશું પ્રોત્સાહક નહીં આવવાને લીધે યુરો સુધરવામાં અસફળ નીવડ્યો છે.  
અમેરિકાનું ઉદ્દીપક પેકેજ સરળતાથી જાહેર થાય અને અમલમાં આવી જાય તે મહત્વનું છે.જો એમ થાય તો શરુઆતમાં સોનાના ભાવ પર દબાણ આવશે પણ પછી ફુગાવા આધારિત પરિબળોની અસર સોનાના ભાવ પર જોવા મળશે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ. 280ના ઘટાડામાં રુ. 51000 અને મુંબઇમાં રુ. 519 ઘટીને રુ. 49140 હતો. રાજકોટમાં ચાંદીનો ભાવ એક કિલોએ રુ. 700 ઘટીને રુ. 66300 અને મુંબઇમાં રુ. 1368 તૂટતા રુ. 65792 હતો.

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer