રિલાયન્સ ઈન્ડ.નો નફો વધીને રૂ 13,101 કરોડ થયો

રિલાયન્સ ઈન્ડ.નો નફો વધીને રૂ 13,101 કરોડ થયો
કંપનીના વિકાસમાં ટેલિકોમ બિઝનેસની આગેવાની 
મુંબઈ, તા. 22 (એજન્સીસ) : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ઓક્ટોબર-ડિસેમ્બર 2020 ત્રિમાસિકમાં રૂ. 13,101 કરોડનો કોન્સોલિડેટેડ નફો જાહેર કર્યો હતો જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક સામે 12.5 ટકા વધારે હતો. કોન્સોલિડેટેડ આવક 21 ટકા વધીને રૂ. 1.2 લાખ કરોડની રહી હતી.  
કંપનીએ ડિસેમ્બર 2020 ત્રિમાસિકના પરિણામો શુક્રવારે જાહેર કર્યા હતા.  
કંપનીએ રૂ. 1.2 અબજની એક સમયની કોન્સો ખોટ જાહેર કરી હતી. 
વિશ્લેષકોએ 2020ના છેલ્લા ત્રિમાસિકમાં કંપનીનો નફો રૂ. રૂ. 11,420 કરોડનો અંદાઝયો હતો. 
કોવિદ-19 મહામારીને કારણે પેટ્રોલ, ડીઝલ ઈત્યાદિની માગ ઘટી જવાથી કંપનીના રિફાઇનિંગ બિઝનેસ પર અવળી અસર પડી હતી. 
ડિજિટલ સર્વિસ માં કંપનીની આવક એક વર્ષ અગાઉના રૂ. 17,849 કરોડથી વધીને રૂ. 23,678 કરોડ થઇ હતી. કંપનીના વિકાસમાં ટેલિકોમ બિઝનેસે આગેવાની લીધી હતી. 
સ્થાનિક નિયંત્રણોને કારણે કંપનીનું રિટેલ વેચાણ ઘટ્યું હતું. રિલાયન્સ રિટેલ વેન્ચર નું વેચાણ રૂ. 45,348 કરોડથી ઘટીને રૂ. 36,887 કરોડ રહ્યું હતું. 
શેર બજાર બંધ થયા બાદ કંપનીએ તેના પરિણામો જાહેર કર્યા હતા. આરઆઇએલ નો શેર શુક્રવારે રૂ. 2049 પર બંધ હતો. 
કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ભારતનું અર્થતંત્ર રિકવરીના તબક્કે છે અને અમારી કંપનીએ નોંધપાત્ર કામગીરી દ્વારા તેમાં ફાળો આપ્યો છે તેનો અમને આનંદ છે. 
અમે ત્રિમાસિકમાં ઓઇલ ટૂ કન્ઝ્યુમર સહીત વિવિધ વિભાગોમાં મજબૂત રિકવરી અને કામગીરી દેખાડી છે . રિલાયન્સે માર્ચ 2020 પછી 50,000 વધુ લોકોને રોજગારી આપી છે તે બદલ મને ગર્વ થાય છે એમ મુકેશ અંબાણીએ ઉમેર્યું હતું.

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer