મુંબઈ, તા.22 : અનેક અવિવાહિતો પોતાના લગ્ન માટે મેટ્રીમોનિયલ વેબસાઇટનો આધાર લેતા હોય છે. આ વેબસાઇટો પર છેતરપિંડીનું પ્રમાણ વધી રહ્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ગત બે વર્ષમાં લગભગ 1216 લગ્નોત્સુક યુવક - યુવતીઓ સાથે છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું છે.
મેટ્રીમોનિયલ વેબસાઇટ પર લગ્નના વાયદાઓ કરી શારીરિક સંબંધો બાંધવા, આર્થિક છેતરપિંડી, મેટ્રીમોનિયલ વેબસાઇટ પર લકી ડ્રોના પ્રલોભન આપી લૂંટ જેવા અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયા છે.
પોલીસે આપેલી આંકડાવારી અનુસાર ગત બે વર્ષમાં રાજ્યભરમાં 1216 લગ્નોત્સુકોના સંપર્ક કરી આરોપીઓએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાના ગુના નોંધાયા છે. આ જ કેસમાં બે વર્ષોમાં 348 આરોપીઓની ધરપકડ થઇ છે, જેમાં કેટલાક નાઇજીરિયનોનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે કેટલીક મહિલાઓ ડરને કારણે ફરિયાદ નોંધાવતા ડરે છે જે એક હકીકત છે.
Published on: Sat, 23 Jan 2021