પીએમસી બૅન્ક કૌભાંડ : વીવા ગ્રુપની અૉફિસો પર ઇડીના દરોડા

મુંબઈ, તા. 22 : એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ શુક્રવારે સવારે મુંબઇમાં પીએમસી બૅન્ક કૌભાંડના કેસમાં પાંચ જગ્યાએ દરોડા પાડયા છે. મની લોન્ડ્રિંગના કેસની તપાસમાં હિતેન્દ્ર ઠાકુર અને અન્ય સંબંધિત લોકોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તપાસ એજન્સીએ શુક્રવારે સવારે ઠાકુર સાથે જોડાયેલી ત્રણ અૉફિસો અને તેના સીએ સાથે જોડાયેલી બે અૉફિસોની તપાસ કરી હતી. હિતેન્દ્ર ઠાકુર વીવા હોમ્સનો માલિક અને સીઇઓ છે. ઇડીને ટીપ મળી હતી કે કરોડો રૂપિયા એચડીઆઇએલથી વીવા ગ્રુપ ટ્રસ્ટ અને કંપનીઓને અપાયા હતા. આ તમામ કંપનીઓ ઠાકુરના પરિવારના સભ્યો દ્વારા કાર્યરત હતી. આ મહિનાની શરૂઆતમાં ઇડીએ રાજ્યસભા સાસંદ અને શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતના પત્ની વર્ષા રાઉતની આ કેસમાં પૂછપરછ કરી હતી. 
સતત સમાચારોમાં આવેલા વર્ષા રાઉતે ઇડીની પૂછપરછ દરમિયાન પોતે 55 લાખ રૂપિયાની લોન ચૂકવી દીધી હોવાની વાત જણાવી હતી. આ મામલે મોટો વિવાદ થયો હતો. સંજય રાઉતે આ મામલે અનેક સ્પષ્ટીકરણો આપવા પડયા હતા. વર્ષા રાઉતે માધુરી રાઉત પાસે 55 લાખ રૂપિયાની ફ્રેન્ડલી લોન લીધી હતી જે તેણે પાછી આપી દીધી છે.

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer