અમારા પ્રતિનિધિ તરફથી
કોલ્હાપુર, તા. 22 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ચીફ શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં મુંબઈમાં ખેડૂતોના સમર્થનમાં જે વિરોધ પ્રદર્શનનું આયોજન થવાનું છે એમાં હું પણ ભાગ લઈશ.
તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રણે કૃષિ કાયદાના અમલને દોઢ વર્ષ માટે સ્થગિત કરવાની અૉફર કરી હતી, પણ ખેડૂતોએ આ અૉફર ઠુકરાવી દીધી છે. ખેડૂતોનું કહેવું છે કે પહેલા કાયદા રદ કરો અને પછી ચર્ચા માટે બેસીશું. આ આંદોલનકારી ખેડૂતોના સમર્થકો મને મળ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે 24 કે 25 જાન્યુઆરીના આંદોલનકારી ખેડૂતોના સમર્થકોને અમે ભેગા થવાના છીએ. તેમણે મને પણ આમંત્રણ આપ્યું હતું અને મેં હાજર રહેવાની ખાતરી આપી હતી.
દિલ્હીના સીમાડે હજારો ખેડૂતો લગભગ બે મહિનાથી ત્રણે કૃષિ કાયદો રદ કરવા માટે આંદોલન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ કાયદા ખાનગી વેપાર, કોન્ટ્રેક્ટ ફાર્મિંગ અને ખાદ્યાન્નના સંગ્રહની મર્યાદાને રદબાતલ કરવાને ઉત્તેજન આપે છે.
કૉંગ્રેસના પ્રમુખપદ માટે કૉંગ્રેસી નેતા સુશીલ કુમાર શિંદેના બોલાતા નામ વિશેના સવાલના જવાબમાં પવારે કહ્યું હતું કે મારી તેમને શુભેચ્છા છે. તેઓ અમારા સાથી છે. જો મહારાષ્ટ્રનો કોઈ નેતા કૉંગ્રેસનો પ્રમુખ બને તો તેને મારી શુભેચ્છા છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ નવેમ્બરથી હજી તેમના ક્વોટામાંથી 12 જણની વિધાન પરિષદમાં નિમણૂક કરી નથી એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે મારો અનુભવ એ કહે છે કે રાજ્યપાલ ક્યારેય સરકારની ભલામણોનો અસ્વીકાર કરી શકે નહીં. કેબિનેટની મંજૂરી બાદ મુખ્ય પ્રધાને જે નામ તેમને મોકલાવ્યા હોય એ યાદી તેમને સ્વીકારવી જ પડે. જુઓ હવે શું થાય છે.
Published on: Sat, 23 Jan 2021