વિદ્યાર્થીઓને લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ આપવા માગણી

મુંબઈ, તા. 22 : કોરોના સંક્રમણ સમય દરમિયાન બંધ રહેલી શાળાઓ, કૉલેજો, આઈટીઆઈ જેવી શૈક્ષણિક સંસ્થાઓ હવે ધીમેધીમે શરૂ થઈ રહી છે. મુંબઈની લોકલ ટ્રેનોની લગભગ 90 ટકા ફેરીઓ ચાલુ છે. 
આથી વિદ્યાર્થીઓને પણ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે પરવાનગી આપવી  જોઈએ એવી માગણી જોર પકડી રહી છે.
મુંબઈ, મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં કોરોના વૅક્સિનેશન શરૂ થયું છે. મુંબઈના હૉટલ, બાર, પબ અને ડિસ્કો રાત્રે મોડે સુધી ચાલુ હોય છે. ત્યાં મોટા પ્રમાણમાં યુવાનો એકઠા થાય છે. એના પર કોઈ બંધન નથી. જોકે, શાળાના વિદ્યાર્થી, એન્જિનિયરિંગ, ટેક્નિકલ ઈન્સ્ટિટયૂટમાં ભણતા વિદ્યાર્થીઓને ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી નહીં હોવાથી મુશ્કેલીઓ સહન કરીને જવું પડે છે.
કસારા-કર્જત વિસ્તારમાં પરિવહનની અછત અને તે દ્વારા પ્રવાસ માટે થતો ખર્ચ પરવડનારો નથી. આથી વિદ્યાર્થીઓને લોકલમાં પ્રવાસ કરવાની સુવિધા આપી તેમને રાહત આપવી જોઈએ એવી માગણી કલ્યાણ-કસારા રેલવે પેસેન્જર્સ વેલ્ફેર ઍસોસિએશને કરી છે.

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer