ભાજપે પાલિકામાં વિપક્ષી નેતાનો હોદ્દો માગ્યો

સુપ્રીમ કોર્ટે મેયરને નોટિસ પાઠવી 
મુંબઈ, તા. 22 : કયા પક્ષને તેના સંખ્યાબળના આધારે વિપક્ષના નેતાનો હોદ્દો મળવો જોઈએ એ નક્કી કરવાનું મુશ્કેલ નથી, પરંતુ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે બદલાયેલાં સમીકરણનો બૃહદ મુંબઈ મહાનગર પાલિકામાં પડઘો પડવાથી આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ ગયો છે. 
2019ની વિધાનસભાની ચૂંટણી બાદ, ભાજપ સાથે શિવસેનાએ છેડો પાડયો હતો અને કૉંગ્રેસ તથા એનસીપીની સાથે મળીને મહાવિકાસ આઘાડી સરકાર રચી હતી. નગરપાલિકામાં કૉંગ્રેસની પાસેથી વિપક્ષના નેતાનો હોદ્દો પાછો મેળવવા ભાજપે પ્રયાસ કર્યો હતો, પરંતુ મેયર કિશોરી પેડણેકરે ઈનકાર કર્યો હતો અને એવો ચુકાદો આપ્યો હતો કે એક વખત સ્વૈચ્છિકપણે હોદ્દો છોડી દેવાય તો તેને પાછો આપી નહીં શકાય. બૉમ્બે હાઈ કોર્ટ પણ આ નિર્ણય સાથે સંમત થઈ હતી. ત્યાર બાદ ભાજપના નગરસેવક પ્રભાકર શિંદેએ સુપ્રીમ કોર્ટમાં અરજી નોંધાવી હતી. 
શિંદે વતી રજૂઆત કરતા વરિષ્ઠ ઍડવોકેટ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચ સમક્ષ એમ જણાવ્યું હતું કે, કૉર્પોરેટરોની બીજા ક્રમે સૌથી વધુ સંખ્યા ધરાવતા પક્ષને વિપક્ષના નેતાનો હોદ્દો નકારાયો અને 2017ની પાલિકાની ચૂંટણીમાં ત્રીજા ક્રમે આવેલી કૉંગ્રેસને એ હોદ્દો અપાયો તે બાબત અકલ્પનીય છે. 
બેન્ચે કહ્યું કે, તમે વિપક્ષના નેતાનો હોદ્દો નહીં લેવાનું પસંદ કર્યું હતું. ત્યારે રોહતગીએ ખુલાસો કર્યો કે, તે સમયે બંને પક્ષોની વચ્ચે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે જોડાણ હતું. હવે સંબંધ બગડયા છે. તેથી પક્ષ હવે વિપક્ષી નેતાનો હોદ્દો પાછો મેળવવા માગે છે, જે કાયદેસર તેને મળવો જોઈએ. 
રોહતગીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સ્તરે શિવસેનાની આગેવાની હેઠળની શાસક યુતિનો ભાગ એવી કૉંગ્રેસ પાસે વિપક્ષી નેતાનો હોદ્દો રહે તો એ બાબત બંધારણીય સ્કીમની રક્ષક બની રહેશે. લોકતંત્રની હાંસી ઉડાવે એવી મૂર્ખામીભરી વસ્તુ કેવી રીતે બની શકે? 
મેયર વતી હાજર રહેલા ઍડવોકેટ સી. એ. સુંદરમાને બેન્ચે 15 દિવસમાં જવાબ નોંધાવવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે પરિસ્થિતિમાં વિસંગતિ હોવાનું જણાય છે. અમે આ બાબત વિશે સુનાવણીની આગામી તારીખે નિર્ણય લઈશું અને એડજોર્નમેન્ટ એટલે કે નવી તારીખ આપશું નહીં. 

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer