નવી મુંબઈ ઍરપોર્ટનું કામ ફરીથી શરૂ થશે

મુંબઈ, તા. 22  : નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટનું રખડી પડેલું કામ વહેલી તકે શરૂ કરવાની સૂચના કેન્દ્રીય નાગરી વિમાન પ્રાધિકરણે રાજ્ય સરકારને આપી છે. તે મુજબ રાજ્ય સરકારે સિડકોને આ કામ અંગેના નિર્દેશ આપ્યા છે. આથી ઍરપોર્ટ નિર્માણનું રખડી પડેલું કામ આગામી 10થી 15 દિવસમાં શરૂ થવાની શક્યતા છે. 
પનવેલ નજીક 1600 હેક્ટર જમીન પર તૈયાર થઈ રહેલા આ ઍરપોર્ટનું કામ ત્રણ વર્ષ પહેલાં શરૂ થયું હતું.  જીવીકે કંપનીએ આ કામ શરૂ ર્ક્યું હતું, પરંતુ જીવીકે આર્થિક રીતે નબળી પડતાં ઍરપોર્ટ નિર્માણના કામ પર અસર પડી હતી. જીવીકેની હિસ્સેદારી હવે અદાણી ગ્રુપ પાસે ગઈ હોવાથી નવી મુંબઈ ઍરપોર્ટનું કામ અદાણી ગ્રુપ કરશે એ સ્પષ્ટ થયું છે. આ હસ્તાંતરણની પ્રક્રિયા હમણાં અંતિમ તબક્કામાં છે.
ઍરપોર્ટ અૉથોરિટીએ કામ વહેલી તકે શરૂ કરવાની સૂચના આપી છે. કામ શરૂ થયા બાદ રનવે અને ટર્મિનલ તૈયાર કરવા માટે ઓછામાં ઓછાં બે વર્ષનો સમય લાગવાની શક્યતા છે. આથી  ઍરપોર્ટ પરથી પ્રત્યક્ષમાં વિમાન ઊડવા માટે વધુ બે વર્ષ રાહ જોવી પડશે.

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer