નવી દિલ્હી, તા. 22 : લઘુમતીઓ પર પાકિસ્તાનના પાખંડનો પર્દાફાશ કરતાં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કટ્ટરપંથીઓ દ્વારા પાકમાં હિન્દુ મંદિર તોડવાનો મુદો જોશભેર ઊઠાવ્યો હતો. યુનોની સુરક્ષા પરિષદમાં ભારતે કહ્યું હતું કે, દુનિયામાં આતંકવાદ, અસષ્ણુતા, અંતિમવાદ, હિંસા વધી રહ્યા છે.
ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોના વિનાશનો ખતરો પાકિસ્તાન પ્રેરિત આતંકવાદથી વધી ગયો છે, તેવા પ્રહારો ભારતે કર્યા હતા.
ભારતે કહ્યું હતું કે, પાકના બેવડા ચહેરાની પ્રતીતિ પાકિસ્તાનના કટક જિલ્લામાં થઈ, જ્યાં ડિસેમ્બર-2020માં કટ્ટરપંથીઓએ એક ઐતિહાસિક હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો.
આ મામલા પર ઈમરાન સરકાર મૂકદર્શક બનીને બેસી રહી છે. યુનોમાં મુસ્લિમોના મુદે ભારતને ઘેરતું રહેતું પાક આજે પોતે ઘેરાયું હતું.
ભારતે શીખ અને હિન્દુ સમુદાય પર જારી અત્યાચારોની યાદી ગણાવતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકને ઘેર્યું હતું. ભારતે ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે શાંતિ અને સહિષ્ણુતાની સંસ્કૃતિને વેગ આપવા પર સંકલ્પ અપનાવવા દરમ્યાન યુનોમાં આ નિવેદન આપ્યું હતું.
Published on: Sat, 23 Jan 2021