મુંબાદેવીના રહેવાસીઓ માટે ત્રાસરૂપ પચાસેક ચીમનીઓ ધ્વસ્ત કરાઈ

મુંબાદેવીના રહેવાસીઓ માટે ત્રાસરૂપ પચાસેક ચીમનીઓ ધ્વસ્ત કરાઈ
હવે 26મી જાન્યુઆરી બાદ પાલિકા આ કાર્યવાહી આગળ ધપાવશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : કાલબાદેવી અને ભૂલેશ્વરને આવરી લેતા મુંબાદેવી વિસ્તારના રહેવાસીઓ માટે ત્રાસરૂપ સુવર્ણકારોના કારખાનાઓની ઝેરી ધૂમાડા ઓકતી ચીમનીઓ તોડવાની કામગીરી પાલિકાના સી વૉર્ડની ટીમ તરફથી પોલીસ રક્ષણ હેઠળ સતત ચાલી રહી છે. જોકે, હવે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના કારણે પોલીસનું રક્ષણ નહીં મળે તેથી પાલિકાની આ કામગીરી થોડા દિવસ માટે નહીં થાય. 
મુંબઈમાં અનલૉક જાહેર થયા બાદ છેલ્લા એક મહિના કરતા વધુ સમયમાં બિલ્ડિંગ અને લાઈસન્સ વિભાગના જૂનિયર એન્જિનિયર સંકેત સાકરકરની ટીમે પોલીસ રક્ષણ સાથે લગભગ પચાસ ચીમનીઓ ધ્વસ્ત કરી હોવાનું ભૂલેશ્વર-કાલબાદેવી રહેવાસી અને વેપારી મંડળના હરકિસનભાઇ ગોરડિયાએ જણાવ્યું હતું. ગઇ કાલે સટ્ટા બજારમાં બે ચીમનીઓ ધ્વસ્ત કરાઇ હતી અને આજે તેલી ગલીમાં સુવર્ણકારોના ગેરકાયદે કારખાનાઓમાંની બે ભઠ્ઠીઓ તોડી પાડવામાં આવી હતી.
ગોરડિયાએ કહ્યું હતું કે પ્રિન્સેસ સ્ટ્રીટમાં ઝવેરી બજાર અને કોટન એક્ષચેન્જ વચ્ચેની સાંકડી ગલીઓના કાલબાદેવીના વિસ્તારો અને ભૂલેશ્વરની સાંકડી ગલીઓની જૂની ઇમારતોમાં આ કારખાનાઓ ધમધમે છે. જેની ચીમનીઓના ઝુંમખા ઝેરી ધૂમાડા ફેલાવે છે. લગભગ બે દાયકાથી અમે આ સમસ્યા સામે લડી રહ્યા છીએ અને કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. પાલિકા તરફથી છેલ્લા એક મહિનાથી કામગીરી થઇ રહી છે અને સાકરકર મહેનત કરી રહ્યા છે, એ રાહતરૂપ છે. જોકે, આ સમસ્યાના કાયમી ઉકેલના અમારા પ્રયાસો બે દાયકાથી ચાલે છે. પરંતુ તેમાં કોઇને કોઇ કારણે સફળતા નથી મળી રહી.

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer