સીરમ ઈન્સ્ટિટયૂટમાં આગની તપાસ ટોચના ફાયર અૉફિસરો કરશે

સીરમ ઈન્સ્ટિટયૂટમાં આગની તપાસ ટોચના ફાયર અૉફિસરો કરશે
અમારા પ્રતિનિધિ તરફથી 
પુણે, તા. 22 : મહારાષ્ટ્ર સરકારની ત્રણ એજન્સીના ફાયર વિંગ્સના ટોપના અધિકારીઓ પુણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટ અૉફ ઇન્ડિયાના મકાનમાં લાગેલી આગ વિશે તપાસ કરશે. આ આગમાં પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં. 
આ સંયુક્ત તપાસ ટીમમાં પુણે મહાનગરપાલિકા, પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અને મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમઆઈડીસી)ના ફાયર ડિપાર્ટમેન્ટ ખાતાના ચીફનો સમાવેશ છે. આ આગ ગુરુવારે લાગી હતી અને એમાં પાંચ કમનસીબ કોન્ટ્રેક્ટ મજુરોનાં મૃત્યુ થયાં હતાં. આગમાં પાંચ માળની ઈમારતના બે ઉપલા માળ ખાખ થઈ ગયા હતા. આ ઈન્સ્ટિટયૂટ એસઈઝેડ-થ્રી વિસ્તારમાં છે જ્યાં કોરોનારસીનું ઉત્પાદન અને સંગ્રહ કરાય છે. જોકે, આગની ઘટનામાં સદ્નસીબે કોરોના માટેની કૉવિશિલ્ડ રસીના યુનિટને કોઈ અસર નથી પહોંચી. 
આ તપાસ સમિતિ આગના કારણોની તપાસ કરશે. પુણેના હડપસર પોલીસે આગને લઈ એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધ્યો છે. તપાસ સમિતિ આગના કારણ ઉપરાંત આગ કેમ પ્રસરી એની પણ તપાસ કરશે. આગમાં અનેક પ્રકારની સામગ્રીને પણ નુકસાન થયું હતું. તપાસ સમિતિના રિપોર્ટના આધારે આગ કેવી રીતે લાગી એની ખબર પડશે એમ એક અધિકારીએ કહ્યું હતું. આગ કેમ લાગી હતી એની અત્યારે અટકળ કરવાનું મુશ્કેલ છે. અમે તપાસ શરૂ કરી દીધી છે. ફોરેન્સિક એક્સપર્ટોની ટીમ પણ કામે લાગી ગઈ છે. જ્યાં આગ લાગી હતી ત્યાંથી રસી બનાવવાનું યુનિટ એક કિલોમીટર દૂર આવેલું છે.

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer