ખેડૂતોની નવી રણનીતિ

ખેડૂતોની નવી રણનીતિ
26મીની ટ્રેકટર રૅલી બાદ ગામડે ગામડે મોરચો
નવી દિલ્હી તા.રર : નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માગ સાથે ખેડૂતોએ રાજય સ્તરે પછી રાષ્ટ્રીયસ્તરે આંદોલન છેડયાને ર માસ થવા આવ્યા બાદ 26 જાન્યુઆરીની પ્રસ્તાવિત ટ્રેકટર રેલી બાદ દેશભરમાં ગામડે-ગામડે જઈ સરકારની પોલ ખોલવા રણનીતિ ઘડી છે.
ખેડૂતોને વાસ્તવિકતાથી વાકેફ કરવા સાથે પોતાના ક્ષેત્રમાં સરકારના મંત્રીઓ, નેતાઓને પ્રવેશબંધી કરવા અપીલ કરશે. ખેડૂત આંદોલનને માત્ર હરિયાણા અને પંજાબનું ગણાવાઈ રહયુ છે જે દૂષ્પ્રચાર અંગે હકીકત રજૂ કરશે. ખેડૂત સંગઠનોનું કહેવુ છે કે તેઓ આ રીતે રસ્તા પર બેસવા આવ્યા નથી. ન તો બંન્ને માગોમાં સમાધાન કરી ખાલી હાથ પોતાના ખેતરમાં પાછા ફરવાના છે. ખેડૂતોએ એવી હઠ પણ પકડી છે કે તેઓ દિલ્હીના આઉટર રિંગરોડ પર જ ટ્રેકટર પરેડનું આયોજન કરશે. તે માટે 1 લાખ ટ્રેકટરને દિલ્હી સરહદે પહોંચાડવા તૈયારીઓ ચાલી રહી છે. ટ્રેકટર પરેડમાં મહિલાઓ, બાળકો અને કલાકારોને સામેલ કરવામાં આવશે.
ભારતીય કિસાન યૂનિયનના નેતા ચૌધરી હરપાલસિંહે કહયુ કે ખેડૂતો પોતાનો હક્ક માગી રહયા છે જે સરકાર આપી દેશે એટલે તેઓ ચાલ્યા જશે. જયાં સુધી સરકાર હક્ક નહીં આપે આંદોલન ચાલુ રહેશે. સરકાર એમએસપી પર કાનૂની ગેરેન્ટી આપે અને સામાન્ય સહમતિ ન સધાય ત્યાં સુધી કૃષિ કાયદા સસ્પેન્ડ કરવાની ખાતરી આપે તો પ્રસ્તાવ પર વિચાર કરવા તૈયારી દાખવી છે.

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer