જૂન સુધી સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષા રહેશે

જૂન સુધી  સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષા રહેશે
કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નેતૃત્વના મુદ્દે વરિષ્ઠ નેતાઓ વચ્ચે મતભેદો
આનંદ કે. વ્યાસ તરફથી
નવીદિલ્હી, તા.22: કોંગ્રેસની સૌથી મોટી નિર્ણયીકરણ સમિતિ એટલે કે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબલ્યુસી)ની બેઠકમાં આજે ફરી એકવાર નેતૃત્વ મુદ્દે અને નવા અધ્યક્ષનાં મામલે પક્ષ બે ખંડમાં વિભાજિત થયેલો જોવા મળ્યો હતો.  પ્રાપ્ત થતાં અહેવાલો અનુસાર આજની બેઠકમાં સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં જ કોંગ્રેસ નેતા આનંદ શર્મા અને રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોત વચ્ચે તણખાં ઝર્યા હતાં.  હાલ પક્ષે જૂન માસમાં કોંગ્રેસનાં અધ્યક્ષપદ માટે ચૂંટણી યોજવાનો ફેંસલો કર્યો છે, અર્થાત્ મે સુધી સોનિયા ગાંધી જ કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષાં રહેશે.
સીડબલ્યુસીની આજે મળેલી બેઠકમાં પક્ષનાં નેતૃત્વ સામે બંડ પોકારનાર નેતાઓનાં જૂથે નવા અધ્યક્ષની ચૂંટણી વહેલીતકે યોજાય તેનાં માટે જોર લગાડયું હતું. જો કે તેની સામે ગાંધી પરિવારનાં સમર્થકો ઉશ્કેરાઈ ગયા હતાં. આખરે બળવાખોર નેતાઓને ચૂંટણી માટે વધુ એકવાર નવી તારીખ જ મળી હતી. 
આજે બેઠક દરમિયાન નેતૃત્વની જ ચર્ચામાં ગહેલોત અને આનંદ શર્મા વચ્ચે તીખી રકઝક થઈ ગઈ હતી. કહેવાય છે કે, અશોક ગહેલોત એક તબક્કે શર્મા ઉપર ભડકી ઉઠયા હતાં અને કહ્યું હતું કે, તમે દર છ મહિને અધ્યક્ષપદની ચૂંટણીની માગણી કરો છો. શું તમને પક્ષનાં એટલે કે સોનિયા ગાંધીનાં નેતૃત્વ ઉપર ભરોસો નથી? બન્ને નેતાઓને બાખડતા જોઈને વરિષ્ઠ નેતા અંબિકા સોનીએ દરમિયાનગીરી કરવી પડી હતી અને તેમણે બન્નેને ટોકતા કહ્યું હતું કે, વધુ ભાવુક ન બનવું જોઈએ.
આજની બેઠક બાદ કોંગ્રેસ નેતા કે.સી.વેણુગોપાલે જણાવ્યું હતું કે, આજની બેકઠમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, જૂન 2021માં પક્ષનાં નવા અધ્યક્ષ માટે ચૂંટણી યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ આ પદ ઉપરથી રાજીનામું આપ્યું ત્યારથી પદ ખાલી પડયું છે અને હાલ સોનિયા ગાંધી પક્ષનાં કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
સીડબલ્યુસીની બેઠકમાં આજે કિસાનોનાં મુદ્દે એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આંદોલનકારી, ભૂખ હડતાલ ઉપર ઉતરનાર અને ખેડૂતો પોતાની નિર્ણાયક લડાઈ ઠંડી, વરસાદ જોયા  વિના લડી રહ્યા છે પણ સરકાર તેમનો રોષ અવગણીને તેને રાષ્ટ્ર વિરોધીઓ ચિતરવાનાં ષડયંત્ર કરી રહી છે. 
આવી જ રીતે કોરોના રસી માટે વૈજ્ઞાનિકોને ધન્યવાદ પાઠવવા અને લોકોને રસી મેળવવા માટે આગળ આવવાની અપીલ કરવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રિપબ્લિક ટીવીનાં એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની વોટ્સએપ ચેટ લીક થવા મુદ્દે સંયુક્ત સંસદીય તપાસની માગણી માટે પણ પ્રસ્તાવ પસાર કરાયો હતો.

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer