આત્મનિર્ભર ભારતીય વૅક્સિન સંપૂર્ણ સુરક્ષિત

આત્મનિર્ભર ભારતીય વૅક્સિન સંપૂર્ણ સુરક્ષિત
કોરોના રસીનો નિર્ણય રાજકીય નથી : મોદી
કાશીના સ્વાસ્થ્યકર્મીઓ સાથે વડા પ્રધાનનો સંવાદ
નવી દિલ્હી, તા. 22 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોનારોધક રસી લેનાર આરોગ્યકર્મીઓની હિંમત વધારતાં તેમની સાથે સંવાદ કર્યો હતો અને રસીની અસરો અંગે જાણકારી લીધી હતી.
રસીના સંબંધમાં કોઈ પણ નિર્ણય રાજકીય નથી હોતો. વૈજ્ઞાનિકોએ કહ્યું, તેમ જ અમે કર્યું છે, તેવું રસી પર રાજકારણ કરનારાઓ પર પ્રહાર કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું.
રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે, તેવો સંદેશ દેશના જણેજણ સુધી પહોંચાડવાની જરૂર છે, તેવું મોદીએ કહ્યું હતું. ભારતે પોતાની જાતે રસી બનાવી છે. સાથોસાથ આપણો દેશ અન્ય અનેક દેશોની મદદ પણ કરે છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
આજે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે, જે આપણા દેશની મોટી સફળતા છે તેવું વડાપ્રધાને કહ્યું હતું.
દરમ્યાન, વડાપ્રધાન સાથે વાતચીત બાદ વારાણસીના આરોગ્યકર્મીઓનો ઉત્સાહ વધી ગયો છે. આરોગ્યકર્મીઓએ સંવાદ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતાં જણાવ્યું હતું કે, અમે રસી સુરક્ષિત છે, તેવી જાગૃતિ લોકોમાં ફેલાવતા રહેશું.

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer