સરકાર અને ખેડૂતો પોતાના વલણ પર અડગ : બારમી બેઠક માટેની તારીખ પણ નક્કી ન થઈ
નવી દિલ્હી, તા. 22 : કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓને લઇને કિસાન નેતાઓ અને સરકાર વચ્ચે 11 બેઠક અને 45 કલાકથી ય વધુની ચર્ચાઓ બાદ પણ મડાગાંઠ યથાવત રહી છે. ખેડૂતો ત્રણેય કાયદા સંપૂર્ણ પણે નાબૂદ કરવાની માંગ પર અડગ રહ્યા છે ત્યારે આજે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે પણ કહી દીધું હતું કે અમે જેટલું કરી શકતા હતા એટલું કરી દીધું છે અને હવે અમારા પ્રસ્તાવો પર તમારો નિર્ણય જણાવો, હવે વાતચીતનો સિલસિલો બંધ કરીએ. બીજી તરફ કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું ઁ સરકાર તરફથી કહેવામાં આવ્યું કે દોઢને બદલે બે વર્ષ સુધી કૃષિ કાયદા સ્થગિત કરીને પણ ચર્ચા થઇ શકે છે. જો આ પ્રસ્તાવ અંગે કિસાનો તૈયાર હોત તો કાલે ફરી વાત થઇ શકે છે. અમારું ટ્રેકટર પરેડનું આયોજન યથાવત છે. આંદોલન તીવ્ર બન્યું છે.
કેન્દ્ર સરકાર અને કિસાનો વચ્ચે આજે 11મા તબક્કાની વાટાઘાટો પણ અગાઉની 10 બેઠકોની માફક જ અનિર્ણિત નિવડી છે. આજની બેઠકમાં સરકારે કિસાનોને કહ્યું હતું કે, કાયદામાં કોઈ જ ઉણપ નથી પણ કિસાનોનાં સન્માનમાં સરકારે અમલ અટકાવવાનો પ્રસ્તાવ આપેલો. જેનાં ઉપર કિસાનો કોઈ જ નિર્ણય કરી શક્યા નથી. જો ખેડૂતો આ વિશે કોઈ નિર્ણય ઉપર આવે તો સરકારને તેની જાણ કરે. ત્યારબાદ ફરીથી ચર્ચા કરવામાં આવશે. ટૂંકમાં મડાગાંઠનો કોઈ જ ઉકેલ આવ્યો નથી અને આ વખતે તો ફરીથી બેઠક યોજવાની તારીખ પણ નક્કી કરવામાં આવી નથી.
બેઠક પછી કિસાન નેતા શિવકુમાર કક્કાએ કહ્યંં હતું કે, ભોજન પૂર્વે કિસાનોએ કૃષિ કાયદા પરત ખેંચવાની માગણી દોહરાવી હતી. સરકાર તેમાં માત્ર સુધારા કરવાનો આગ્રહ પકડી રાખ્યો હતો. મંત્રીઓએ ખેડૂતોને કાયદામાં સુધારાનાં પ્રસ્તાવ ઉપર વિચારણા કરવાનો અનુરોધ દોહરાવ્યો. ત્યારબાદ મંત્રીઓ બેઠક છોડીને જતા રહ્યા હતાં.
બીજીબાજુ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે, કૃષિ કાયદાને દોઢ વર્ષ રોકી દેવા માટે સરકાર તૈયાર છે. સરકાર આનાથી વિશેષ સારો પ્રસ્તાવ આપી શકે નહીં. આનાથી બહેતર કંઈ થઈ શકે તેમ નથી. જો ખેડૂતો વાટાઘાટ માટે તૈયાર હોય તો કાલે પણ ફરીથી ચર્ચા થઈ શકે છે.
Published on: Sat, 23 Jan 2021
કૃષિ કાયદાની મડાગાંઠ યથાવત્
