લંડન, તા. 23 : અત્યાર સુધી એમ કહેવાતું હતું કે બ્રિટનનો કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન લોકોમાં ઝડપથી ફેલાય છે પણ એને કારણે વધુ લોકો મરતા નથી, પરંતુ હવે એવા સંકેત મળી રહ્યા છે કે નવો સ્ટ્રેન પણ જીવલેણ છે. આ વાત બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસને પત્રકાર પરિષદમાં જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે એવા પુરાવા મળ્યા છે કે કોરોના વાઇરસનો આ નવો સ્ટ્રેન વધુ જીવલેણ છે. બ્રિટનમાં સૌથી પહેલાં જાણકારી મળી હતી કે નવા સ્ટ્રેનને વધુ ચેપી માનવામાં આવતો હતો. એ સાથે એવું કહેવાતું હતું કે લોકોમાં એ ઝડપથી ફેલાય છે, પણ વધુ લોકો મૃત્યુ પામતા નથી, પરંતુ પહેલીવાર એવા સંકેત મળ્યા છે કે આ વાઇરસ પણ જીવલેણ છે.
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉનસને આ જાણકારી આપી હતી. જ્યારે સરકારના મુખ્ય વૈજ્ઞાનિક પેટ્રિક વેલાંસે કહ્યું હતું કે નવો કોરોના પહેલાની સરખામણીએ 30 ટકા વધુ જીવલેણ હોઈ શકે છે. જોકે ઘણા ઓછા આંકડાઓના આધારે આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે 60 વરસના શખસની વાત કરીએ તો જૂના કોરોનાના 1000 સંક્રમિતેમાંથી 10 દરદી મૃત્યુ પામતાં હોવાનો અંદાજ હતો, પરંતુ નવા વાઇરસ આવા હજાર સંક્રમિતોમાંથી 13થી 14નાં મૃત્યુ થવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે અન્ય વય જૂથમાં પણ નવા સ્ટ્રેનને કારણે વધુ મરણ થતાં હોવાનું જોખમ જણાયું છે.
હકીકતમાં બ્રિટન કોરોનાની ત્રીજી અને સૌથી ભયંકર લહેરનો સામનો કરી રહ્યુ ંછે. ત્યાં રોજ મોટી સંખ્યામાં થઈ રહેલાં મૃત્યુને કારણે મરણ પામેલાંઓનો આંકડો એક લાખની નજીક પહોંચ્યો છે. શુક્રવારે બ્રિટનમાં 1401 જણ મૃત્યુ પામ્યાં હતાં. દેશમાં અત્યાર સુધીમાં મૃત્યુ પામેલાંનો આંકડો 95,981 પર પહોંચ્યો છે.
બ્રિટનની હૉસ્પિટલોમાં લગભગ 38,500 દરદી કોરોનાની સારવાર લઈ રહ્યા છે, જે પહેલી લહેર કરતા 78 ટકા વધુ છે. બ્રિટનમાં દર 55 વ્યક્તિમાંથી એકને કોરોના થઈ ચુક્યો છે, તો લંડનમાં 35 વ્યક્તિએ એક જણ કોરોના સંક્રમિત છે.
Published on: Sat, 23 Jan 2021
નવો વાઇરસ વધુ જીવલેણ હોવાના પુરાવા મળ્યા છે : બોરિસ જૉનસન
