છ દિવસમાં દસ લાખથી વધુ રસી અપાઈ

છ દિવસમાં દસ લાખથી વધુ રસી અપાઈ
ભારતની અનોખી સિદ્ધિ
નવી દિલ્હી, તા 23 : ભારતે માત્ર છ દિવસમાં કોવિડ-19ની રસી 10 લાખ કરતાં વધુ લોકોને આપીને વિશ્વમાં મહામારીની સૌથી વધુ અસર પામેલા દેશોમાં સૌથી ઝડપથી એક મિલિયન નાગરિકોને રસી આપવાનું માન મેળવ્યું હોવાનું રસીકરણના જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે.
ભારતમાં રસીકરણની શરૂઆત થયાને અઠવાડિયું થવા આવ્યું છે. 16 જાન્યુઆરીએ રસીકરણ અભિયાનની શરૂઆત થયા બાદ કુલ 1.3 મિલિયન (12.7 લાખ) લોકોને રસી આપવામાં આવી હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. સરકારના જણાવ્યા મુજબ ગુરુવાર રાત સુધીમાં 1.4 મિલિયન વૅક્સિનના ડૉઝ આપવામાં આવ્યા હતા.
આ અગાઉ અમેરિકામાં સૌથી ઝડપી રસીકરણનો કાર્યક્રમ અમલમાં મુકાયો હતો. યુએસમાં ગયા વરસે 14 ડિસેમ્બરે રસીકરણ શરૂ થયાના 10 દિવસમાં એક મિલિયન કરતાં વધુ રસી અપાઇ હતી.
જ્યારે યુકેમાં 8 ડિસેમ્બરે રસીકરણ અભિયાનની શરૂઆત થઈ હતી અને પહેલાં અઠવાડિયે 1.30 લાખ લોકોને રસી અપાઈ. જ્યારે 26 ડિસેમ્બર  સુધીમાં એક મિલિયન જેટલા લોકોને રસી આપવામાં આવી હતી.
ચીનની રસીકરણની વિગતો જાહેરમાં મુકાઈ નથી, પણ 20 જાન્યુઆરી સુધીમાં 15 મિલિયનને ડૉઝ અપાયો હોવાનું કહેવાય છે. જોકે ચીની સરકારની માલિકીના સિનોફાર્મ ગ્રુપે રસી વિકસિત કરી છે અને એનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે. નેચર જર્નલમાં જણાવાયું છે કે ચીને એક મિલિયનનો આંકડો નવેમ્બરમાં જ હાંસલ કરી લીધો હતો.
વિશ્વ સ્તરે ગુરુવાર સુધીમાં લગભગ 57 મિલિયન વૅક્સિનના ડૉઝ આપવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ અમેરિકામાં 17.5 ડૉઝ, ત્યાર બાદ ચીન (15 મિલિયન), યુકે (5.4 મિલિયન), ઇઝરાયલ (3.3 મિલિયન), યુએઈ (2.3 મિલિયન), જર્મની (1.4 મિલિયન), ઇટલી (1.3 મિલિયન), ટર્કી (1.1 મિલિયન) અને સ્પેન (1.1 મિલિયન)નો સમાવેશ થાય છે. આ યાદીમાં હવે ભારતનું નામ ઉમેરાયું છે. ગુરુવારે રાત્રે એક મિલિયન ડૉઝ આપીને ભારતે દસમું સ્થાન હાંસલ કર્યું છે.
Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer