કોરોના રસી આપવાના નિયમોનું ઉલ્લંઘન કરનારી ખાનગી હૉસ્પિટલોને ચેતવણી
પુણે, તા. 7 : ખાનગી હૉસ્પિટલો કોવિડ-19ની રસી લેવા આવનારાઓ વિશે પારદર્શિતા નહીં જાળવે અથવા નિર્ધારિત અપોઈન્ટમેન્ટ ધરાવતા લોકોને પાછા મોકલાવે તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) હેઠળ સુવિધાઓની પેનલમાંથી હકાલપટ્ટી સહિત ગંભીર કારવાઈની કેન્દ્ર સરકારે આવી હૉસ્પિટલોને ચેતવણી આપી છે. નેશનલ હેલ્થ ઓથોરિટીના વડા આર. એસ. શર્માએ જણાવ્યું હતું કે, આ શરૂઆતના દિવસો છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માગીએ છીએ. એવું ચિંતાજનક વહેણ છે કે અમુક ખાનગી હૉસ્પિટલો ઉપલબ્ધ સ્લોટ્સ વિશે પારદર્શી નથી અને પોતાની તરંગી-સ્વછંદી રીતે લોકોને રસી આપી રહી છે. અમારી પાસે તમામ ડેટા અને મેટાડેટા હોવાથી તપાસ યોજવાની પણ અમને જરૂર નથી. કેન્દ્રીય કાર્યક્રમ અને પ્રોટોકોલની વિરુદ્ધ વર્તવા બદલ અળવીતરી હૉસ્પિટલોને સીધેસીધી પેનલમાંથી બહાર ફેંકી દેવાશે. વિભિન્ન રાજ્યોમાંથી નાગરિકોએ એવી ફરિયાદ કરી છે કે અગાઉથી નામ નોંધાયેલા લાભાર્થીઓને બદલે આપમેળે આવનારા લોકોને પસંદગી અપાય છે. કેન્દ્રના આરોગ્ય વિભાગે આ સંબંધમાં ચેતવણી જારી કરી છે. ખાનગી હૉસ્પિટલોએ રિઝર્વ્ડ બાકિંગની વચ્ચે સ્પષ્ટ ભેદ પાડવો જોઈએ, એમ શર્માએ જણાવ્યું હતું. આગામી સપ્તાહથી ખાનગી હૉસ્પિટલોની સખત નિગરાની કરાશે. નિયમોનુ ઉલ્લંઘન કરવાના કિસ્સામાં નોટિસો જારી કરાશે, એમ કોવિડ-19 રસીઓના વહીવટ માટેની સત્તાધારી સમિતિના પણ અધ્યક્ષ એવા શર્માએ જણાવ્યું હતું. હાલની શિડ્યાલિંગ સિસ્ટમ સવારે નવથી સાંજના પાંચ વાગ્યાની વચ્ચે સ્લોટ બુક કરાવવાની લોકોને છૂટ આપે છે, જ્યારે બપોરે ત્રણ વાગ્યા પછી સ્લોટ્સ ઉપલબ્ધ હોય માત્ર ત્યારે જ વોક-ઈન્સ (પોતાની મેળે આવેલા લોકો)ને છૂટ અપાય છે. રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે રસી પુરવઠાની કોઈ અછત નથી અને હાલ તેમની પાસે 44 લાખ ડોઝ છે. Published on: Mon, 08 Mar 2021