સાપ્તાહિક બજાર વિરુદ્ધ કાર્યવાહી : શિવસેના અને ભાજપ આમનેસામને

મુંબઈ, તા. 7 : લાલબાગમાં શાકભાજીના સાપ્તાહિક બજારને મુદ્દે ભાજપ અને શિવસેના વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે. લાલબાગમાં ભારત માતા સિનેમા સામે આજે ભાજપના પ્રયત્નોથી સાપ્તાહિક બજાર ભરવામાં આવી હતી. શિવસેનાના સ્થાનિક નગરસેવક અનિલ કોકીલ અને અન્યોના કહેવાથી પાલિકાના અધિકારીઓએ આજે બપોરે કાર્યવાહી શરૂ કરી હતી. તેથી ભાજપના મહારાષ્ટ્રના એકમના ઉપાધ્યક્ષ પ્રસાદ લાડ અને વિધાનસભ્ય નિતેશ રાણેની આગેવાની હેઠળ ભાજપના કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા. તેઓએ મહાવિકાસ આઘાડી ચા ધિક્કાર અસો, જય જવાન જય કિસાન તેમ જ સાપ્તાહિક બજાર ચાલુ રહેવી જ જોઈએ એવા સૂત્રો પોકાર્યા હતા. પ્રસાદ લાડે પડકાર ફેંકતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર સત્તા ઉપર હતી ત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં ઉગાડેલા શાકભાજી અને ફળો વેચી શકે એ માટે મુંબઈમાં સાપ્તાહિક બજાર શરૂ કરાવી હતી. Published on: Mon, 08 Mar 2021