નિફટી 15,000ની ઉપર પહોંચ્યો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : નાણાં વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં કોર્પોરેટ પરિણામો સારા આવવાની આશાએ આજે શૅરબજારમાં સપ્તાહનો પ્રારંભ ખરીદી સાથે થયો હતો અને નિફટીએ 15,000નું સ્તર ફરી મેળવ્યું હતું. સેન્સેક્સ 339 પૉઇન્ટ્સ વધી 50,744 પૉઇન્ટ્સ પર અને નિફટી 103 પૉઇન્ટ્સ વધી 15,042 પૉઇન્ટ્સ પર ટ્રેડ કરી રહ્યા હતા.
રિલાયન્સ, તાતા મોટર્સ, અદાણી પોર્ટ્સ જેવા પસંદગીના શૅર્સમાં ભારે વોલ્યૂમ જોવા મળ્યું હતું. નિફટીમાં સૌથી વધુ વધેલા શૅર્સમાં ગેઈલ, ઓએનજીસી, યુપીએલ, એક્સિસ બૅન્ક અને કૉલ ઇન્ડિયા મુખ્ય હતા.
નિફટી અૉટો, આઈટી અને પીએસઇ ઇન્ડેક્સ વધીને ટ્રેડ કરી રહ્યા હતા, જ્યારે બીએસઇ અૉઇલ - ગૅસ, સ્મોલ કૅપ અને મિડ કૅપ ઇન્ડેક્સ પણ વધ્યા હતા.
નિફટીમાં ઘટેલા શૅર્સમાં મુખ્યત્વે બજાજ અૉટો, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ, ટાઈટન કંપની, ડૉ રેડ્ડીસ લૅબ અને નેસ્લેનો સમાવેશ થતો હતો. નિફટીમાં સૌથી વધુ સક્રિય શૅર્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ, તાતા મોટર્સ, એસબીઆઈ અને ગેઈલ સામેલ હતા.
એશિયન શૅરબજારોમાં નરમાઈ હતી. યુએસમાં શુક્રવારે નાસ્દાક 1.55 ટકા વધીને બંધ થયો હતો, યુરોપના બજારો ઘટાડે બંધ થયા હતા. સિંગાપોર નિફટી 0.56 ટકા વધીને ટ્રેડમાં હતો.
જપાનનો નિક્કી 0.50 ટકા, હૅંગસૅંગ 1.63 ટકા અને કોસ્પી 0.36 ટકાના ઘટાડે હતા.
Published on: Mon, 08 Mar 2021