નવી દિલ્હી, તા. 7 : કોરોનાનાં રસીકરણમાં ભારતે અમેરિકાને પણ પાછળ રાખી દીધું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે ભારતમાં પ્રતિદિન સરેરાશ 3093861 રસીનાં ડોઝ આપવામાં આવી રહ્યાં છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 8.70 કરોડથી વધુ રસીનાં ડોઝ લગાવી દેવામાં આવ્યા છે.
રસીકરણનાં આંકડા અનુસાર 89 લાખ 63 હજારથી વધુ સ્વાસ્થ્યકર્મીઓને રસીનો પ્રથમ અને પ3 લાખ 94 હજારથી વધુ સ્વાસ્થ્યકર્મીઓને રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે અગ્રહરોળનાં કર્મચારીઓમાંથી 97 લાખ 36 હજારથી વધુને પહેલો અને 43 લાખ 12 હજારથી વધુ કર્મચારીને બીજો ડોઝ રસીનો અપાઈ ગયો છે.
આ ઉપરાંત 60 વર્ષથી વધુ વયનાં બુઝુર્ગોમાં 3 કરોડ 53 લાખને પહેલો અને 10થી વધુ લોકોને રસીનાં બન્ને ડોઝ આપી દેવામાં આવ્યા છે.
45થી 60ની વચ્ચેની વયનાં લોકોની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 2 કરોડ 18 લાખથી વધુ લોકોને પ્રથમ અને 4 લાખ 31 હજારથી વધુ લોકોને બન્ને ડોઝ આપવામાં આવેલા છે. દેશમાં રસીકરણનાં 81મા દિવસે એટલે કે 6 એપ્રિલે 33 લાખ 37 હજાર લોકોને રસી મૂકવામાં આવી હતી.
Published on: Thu, 08 Apr 2021