મુસ્લિમ મતદારોને અપીલ બાબતે મમતા બેનરજીને ચૂંટણી પંચની નોટિસ

નવી દિલ્હી, તા. 7 : ચૂંટણી પંચે આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના પ્રમુખ મમતા બેનરજીને નોટિસ જારી કરી છે. ચૂંટણી પંચે મમતા બેનરજીને આગામી 48 કલાકમાં જવાબ આપવા કહ્યું છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાનીના પ્રતિનિધીમંડળે ચુંટણી પંચ સમક્ષ મમતા બેનરજી સામે ફરીયાદ કરી હતી જેમાં મુસ્લિમ મતદારોને ટીએમસીને મત આપવાની અપીલ થઈ હોવાનો આરોપ મુક્યો હતો.  ભાજપે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનરજીએ મુસ્લિમ મતદારોને એકજુથ થઈને મત ટીએમસીને આપવા અપીલ કરી હતી. 
આ મામલે ચૂંટણી પંચે નોટિસ જારી કરતા કહ્યું છે કે મમતા બેનરજીની ટિપ્પણીએ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. મમતા બેનરજીએ આ ટિપ્પણી હુગલી જિલ્લાના તારકેશ્વરમાં કરી હતી.       Published on: Thu, 08 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer