સચીન વાઝેએ એનઆઈએને આપેલા પત્રમાં ર્ક્યા નવા ધડાકા

સચીન વાઝેએ એનઆઈએને આપેલા પત્રમાં ર્ક્યા નવા ધડાકા
દેશમુખે નોકરીમાં ચાલુ રાખવા બે કરોડ માગ્યા હતા, પરબે પાલિકાના કૉન્ટ્રાક્ટરો પાસે બે કરોડ લાવવાનું કહ્યું હતું

મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે નોકરી ચાલુ રાખવા માટે બે કરોડ રૂપિયા માગ્યા હતા અને વાહન વ્યવહાર ખાતાના પ્રધાન અનિલ પરબે કોન્ટ્રાક્ટરો પાસેથી નાણાં વસૂલ કરવાનું કહ્યું હતું એવો લેખિત આક્ષેપ આસિસ્ટંટ પોલીસ ઈન્સ્પેક્ટર સચીન વાઝેએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી સમક્ષ ર્ક્યો છે. વાઝેના પત્રની નકલ આજે વિશેષ એનઆઈએ કોર્ટમાં સુપરત કરવામાં આવી હતી. અનિલ પરબે આજે વાઝેના આક્ષેપોને રદિયો આપ્યો છે.

વિશેષ જજ પી. આર. સીતરેએ આ પત્રને રેકોર્ડમાં લેવાનો ઈનકાર ર્ક્યો હતો અને તેના માટે આવશ્યક પ્રોસિજર અનુસરવાનુ જણાવ્યું હતું.

વાઝેએ ચાર પૃષ્ઠોના પત્રમાં જણાવ્યું છે કે મને છઠ્ઠી જૂન, 2020ના દિવસે પુન: નોકરીમાં લેવામાં આવ્યો પછી મારો વિરોધ થયો હતો. રાષ્ટ્રવાદીના વડા શરદ પવાર મને પાછો સસ્પેન્શન હેઠળ મૂકવાના મતના હતા. તે સમયે તત્કાલીન ગૃહપ્રધાન દેશમુખે હું બે કરોડ રૂપિયા આપું તો પવારને સમજાવી લેવાની તૈયારી દેખાડી હતી. મેં તે રૂપિયા આપવાની અશક્તિ દર્શાવી હતી. ત્યારે દેશમુખે તે નાણાં પછી આપવામાં આવે તો ચાલશે એમ કહ્યું હતું. સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસમાં થયેલી મુલાકાતમાં દેશમુખે મને જેની પ્રાથમિક તપાસ ચાલુ હતી તે સૈફી જયુબિલી અપલિફટમેન્ટ ટ્રસ્ટ-એસયુ બી.ટી. સંબંધી ફરિયાદ ઉપર ધ્યાન આપવાનું કહ્યું હતું. આ ટ્રસ્ટએ ભીડીબજારમા ક્લસ્ટર ડેપલમેન્ટનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. દેશમુખે મને ટ્રસ્ટના ટ્રસ્ટીઓને તપાસ અંગે `વાતચીત' (સોદાબાજી) માટે લાવવાનું કહ્યું હતું. તેમણે મને `ટ્રસ્ટ' પાસેથી 50 કરોડ રૂપિયા લઈને ઈન્કવાયરી બંધ કરવાનું કહ્યું હતું. તે તપાસ ઉપર મારો અંકુશ નહીં હોવાથી મેં ટ્રસ્ટ પાસે નાણાં લાવવાની અશક્તિ દર્શાવી હતી.

Published on: Thu, 08 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer