વેપારીઓનાં સૂચનો વિશે એક-બે દિવસમાં નિર્ણય લેવાશે : મુખ્ય પ્રધાન

વેપારીઓનાં સૂચનો વિશે એક-બે દિવસમાં  નિર્ણય લેવાશે : મુખ્ય પ્રધાન
વેપારી સંગઠનોએ દેખાવો મોકૂફ રાખ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : આગામી બે-ત્રણ દિવસમાં રાજ્ય સરકાર વેપારી વર્ગ માટે સકારાત્મક પગલાં વિચારીને જાહેર કરશે, એવું મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આશ્વાસન આપ્યું હતું. રાજ્યમાં કોરોનાના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવતા સરકારે મિનિ લૉકડાઉન લાદતા વેપારીઆલમમાં રોષ વ્યાપ્યો હતો. વિવિધ વેપારી સંગઠનોએ દેખાવો કે આંદોલનની ઘોષણા કર્યા બાદ આજે ઠાકરેએ રાજ્યના અને ખાસ કરીને મુંબઈના વેપારી સંગઠનો સાથે ઝૂમ બેઠક કરી હતી અને વેપારી વર્ગને ધરપત આપી હતી.
મુખ્ય પ્રધાન કાર્યાલય તરફથી અખબારી યાદીમાં જણાવાયું હતું કે સરકાર કે શાસન વેપારીઓ કે વ્યવસાયીઓના વિરોધમાં નથી. કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યમાં ભીડભાડ ટાળવા જરૂરી નિયંત્રણો લદાયા છે. જોકે, આજની બેઠક બાદ સરકાર સકારાત્મક દિશામાં વિચારણા કરશે અને બે-ત્રણ દિવસમાં રાહતરૂપ જાહેરાત કરશે.
મુખ્ય પ્રધાન સાથેની આજની વેપારીમંડળોની બેઠકમાં રાજ્યના અને મુંબઈના પચીસથી વધુ સંગઠનોના આગેવાનો જોડાયા હતા અને સરકાર તરફથી આ બેઠકમાં મુખ્ય પ્રધાન ઉપરાંત આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે, મુખ્ય સચિવ સીતારામ કુંટે, મુખ્ય પ્રધાનના કાર્યાલયના સચિવો અને કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશી ઉપસ્થિત રહ્યા હતા.
વિનેશ મહેતાએ `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લૉકડાઉનના કારણે વેપારી વર્ગમાં હતાશા છે. છેલ્લાં એક વર્ષથી વ્યવસાયો બંધ હતા અને ફરીથી નિયંત્રણોના કારણે વેપારીઓમાં ફફડાટ છે. મુખ્ય પ્રધાન સાથેની વાતચીત અને બીમારીની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમે અમારા આંદોલનાત્મક કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે. સરકાર બે-ચાર દિવસમાં સકારાત્મક જાહેરાત કરે એની રાહમાં છીએ. વેપારી વર્ગ તરફથી પણ સરકારને ખાતરી અપાઈ હતી કે વેપારીઓ સરકારની માર્ગદર્શિકાનું કડકાઈથી પાલન કરશે.
વેપારીઓની માગ એ જ છે કે વીકઍન્ડનું લૉકડાઉન સહન થઈ શકે, પરંતુ સોમથી શુક્ર રાજ્યભરમાં વ્યવસાય-ઉદ્યોગો કડક નિયંત્રણો સાથે પણ ચાલુ રહે એ સમાજ અને રાજ્યના હિતમાં છે. મહેતાએ કહ્યું હતું કે સવારે અમે મુંબઈના પાલક પ્રધાન અસલમ શેખને મળ્યા હતા અને તેમણે પણ મુખ્ય પ્રધાન સુધી અમારી લાગણી પહોંચાડવાની ખાતરી આપી હતી. બપોરે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને વેપારી આગેવાનો મળ્યા હતા અને તેમણે પણ મુખ્ય પ્રધાન સાથે સંવાદની ખાતરી આપી હતી. બપોરે ત્રણ વાગ્યે મુખ્ય પ્રધાન કાર્યાલય તરફથી ઉચ્ચસ્તરીય ઝૂમ મીટિંગનું આમંત્રણ મળ્યા બાદ સૌ તેમાં જોડાયા હતા અને નિરાંતે ચર્ચા કરાઈ હતી.
ફેડરેશન અૉફ રિટેલ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશનના પ્રમુખ વીરેન શાહે જણાવ્યું હતું કે વેપારીઓને સોમવારથી શુક્રવાર દુકાનો અને કચેરીઓ ખુલ્લી રાખવાની પરવાનગી આપવી જોઈએ. ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, ડિસ્ટ્રિબ્યુટર અને છૂટક વેપારી એમ આખી સાકળ આ બંધને કારણે તૂટી છે, એમ વીરેન શાહે ઉમેર્યું હતું.
વેપારીઓ વતીથી `ફામ'ના વિનેશ મહેતા, `કમિટ'ના મોહન ગુરનાની, ફેડરેશન અૉફ રિટેલ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશનના પ્રમુખ વીરેન શાહ, કિશોર કુલકર્ણી, અજય મોદી, મહારાષ્ટ્ર ચેમ્બર અૉફ કૉમર્સના લલિત ગાંધી, `કૈટ'ના મહેશ બખાઈ, અૉલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક રિટેલ ઍસોસિયેશનના મિતેષ મોદી, રાજેન્દ્ર બાંઠિયા, જયકૃષ્ણ પાઠક, જીતુ શાહ, રાજેશ દોશી, દિપેન અગ્રવાલ, દિલીપ કમ્બોજી અને ધૈર્યશીલ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
સીએ અને કંપની સેક્રેટરી માટે એસઓપી તૈયાર કરાશે
કોરોના ઉપદ્રવને ધ્યાનમાં લઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી માટે `સ્ટાન્ડર્ડ અૉપરેટિંગ પ્રોસિઝર'-એસઓપી તૈયાર કરવાનો આદેશ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વહીવટી તંત્રને આપ્યો છે. તેમાં સીએ અને કંપની સેક્રેટરીએ કામકાજનો સમય અને કાર્યપ્રણાલિની વિગતો તૈયાર કરવામાં આવશે.

Published on: Thu, 08 Apr 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer